Baroda

વેટમિક્સનો ઉપયોગ કરી પૈસાનું પાણી કરતું તંત્ર રોડ પર પડેલા ખાડા પૂરાય અને બીજા વરસાદમાં ફરી ગાબડા દેખાય

By GS Team
28 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં વરસાદ બાદ ઠેરઠેર ખાડા પડતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કોર્પોરેશન દ્વારા વેટમિક્સથી પુરાયેલા ખાડા ફરી ઉખડી જતા, કમિશનરે પણ કામગીરી અસંતોષકારક ગણાવી. હવે હોટમિક્સ પ્લાન્ટથી ખાડા પૂરવા સૂચના અપાઈ છે. PMO-CMO સુધી ફરિયાદો પહોંચતા, અધિકારીઓને 24 કલાકમાં નિકાલનો આદેશ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેટમિક્સનો ઉપયોગ કરી પૈસાનું પાણી કરતું તંત્ર રોડ પર પડેલા ખાડા પૂરાય અને બીજા વરસાદમાં ફરી ગાબડા દેખાય

વડોદરામાં વરસાદ બાદ શહેરમાં ઠેરઠેર પડેલા ખાડાઓ પૂર્યા બાદ ફરીથી ખાડા પડી જાય છે. વેટમિક્સથી થતી કામગીરી ખૂબ જ હલકી કક્ષાની હોય છે અને બીજા વરસાદમાં તો ફરી ખાડા પડી જાય છે તેમ છતાં ફરી એ જ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવતા શહેરીજનોએ આ રોડ પરથી પસાર થતી વખતે ખાડાઓનો સામનો કરવો પડે છે.
ઉલ્લેખનીય છે કે વડોદરામાં અનેક સ્થળોએ તાજેતરમાં જે નવા રોડ બનાવ્યા હતા તે રોડ પર સામાન્ય વરસાદમાં જ મોટા મોટા ખાડા પડી ગયા છે. આ ઉપરાંત અન્ય રોડ પર પણ ખાડાઓ દેખાવા લાગ્યા છે. આ ખાડાવાળા રોડ પરથી પસાર થવું વાહનચાલકો માટે માથાનો દુખાવો સમાન થઇ ગયું છે. કોર્પોરેશન દ્વારા આ ખાડાઓ પૂરવા માટે કોન્ક્રિંટ તેમજ માટી મિક્સ વેટમિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ મટિરિયલ ફરીથી નીકળી જતું હોય છે જેથી અસરકારક કામગીરી થતી નથી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે પણ સ્વીકાર્યું છે કે ખાડાઓ પૂરવાની કામગીરી સંતોષકારક નથી જેથી કોર્પોરેશનના ચારેય ઝોનમાં ખાડાઓ પૂરવા માટે હોટમિક્સ પ્લાન્ટ શરૃ કરી તે મટિરિયલનો ઉપયોગ કરવા જણાવ્યું છે. જો કે આ મટિરિયલનો ઉપયોગ કરવાથી ફરી ખાડા પડશે નહી તેની કોઇ ગેરંટી નથી.
વડોદરામાં પશ્ચિમ તેમજ પૂર્વ ઝોનના કેટલાંક વોર્ડમાં ગટર, પાણી, સ્ટ્રીટલાઇટ, સફાઇની વધારે ફરિયાદો હોય છે. કોર્પોરેશનમાં થતી ફરિયાદોનો યોગ્ય સમયે નિકાલ નહી થતાં લોકોએ પીએમઓ તેમજ સીએમઓમાં પણ ફરિયાદો કરવી પડે છે તેની પણ નોંધ લેવામાં આવી છે અને અધિકારીઓને નાગરિકોની ફરિયાદોનો ૨૪ કલાકમાં નિકાલ લાવવા માટે સૂચનાઓ અપાઇ છે. લોકોના સંતોષકારક કામો થતા નથી તેવા પ્રશ્નો પણ આજે કોર્પોરેશનમાં મળેલી રિવ્યૂ બેઠકમાં ઊઠયા હતાં.