Baroda

સહકારક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા ભાજપને ભારે પડી રહી છે,વડોદરાની સંસ્થાઓમાં બળવાના ડરથી ચૂંટણીઓ અટવાઇ

By GS Team
18 Aug 20263 mins read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં ભાજપની મેન્ડેટ પ્રથા હવે ભારે પડી રહી છે. કરજણ અને પાદરા APMC સહિત બરોડા ડેરી અને જિલ્લા સંઘમાં પણ ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીઓ ટાળવામાં આવી રહી છે. શિનોર APMCમાં મેન્ડેટવાળા ચેરમેનના કામો બહુમતી સભ્યોએ નામંજૂર કર્યા. બરોડા સેન્ટ્રલ બેંકની 6 મહિનાની ટર્મ પૂરી થયા છતાં ચૂંટણી જાહેર થઈ નથી, જેથી રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સહકારક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા ભાજપને ભારે પડી રહી છે,વડોદરાની સંસ્થાઓમાં બળવાના ડરથી ચૂંટણીઓ અટવાઇ

સહકારી ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવવા માટે ભાજપ દ્વારા મેન્ડેટ પ્રથાનો અમલ કરાયો હતો.પરંતુ હવે આ પ્રથા ભાજપને જ ભારે પડી રહી હોય તેવા કિસ્સા બની રહ્યા છે.
વડોદરા જિલ્લામાં અનેક સહકારી સંસ્થાઓમાં ભાજપના મેન્ડેટની અવગણના થાય તેવી સ્થિતિ સર્જાતાં આવી સંસ્થાઓના ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીઓ લાંબા સમયથી ટાળવામાં આવી રહી છે.બરોડા ડેરીમાં પણ વર્તમાન બોર્ડના ડિરેક્ટરોને દબાવવા માટે નોટિસો આપવાના પ્રયાસની કોઇ અસર નહિ પડતાં આખરે તમામ ડિરેક્ટરોની મરજી મુજબ મેન્ડેટ આપવો પડયો હતો.
કરજણ એપીએમસીના ચેરમેનની બીજી ટર્મની ચૂંટણી લાંબા સમયથી યોજવામાં આવી નથી.ભાજપના કાર્યકરોમાં આ મુદ્દે વિવાદ સર્જાતાં આખરે ગઇ તા.૨૦મી જુલાઇએ ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર કરાઇ હતી.પરંતુ આ ચૂંટણીમાં વર્તમાન ચેરમેનને રિપીટ કરવાની સામે બળવો થાય તેવા સંજોગ સર્જાતાં નાટકીય ઢબે છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી અને હજી આ ચૂંટણીની નવી તારીખ જાહેર કરાતી નથી.
આવી જ રીતે પાદરા એપીએમસીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોનો પરાજય થયો હતો અને તમામ ૧૦ બળવાખોરોનો વિજય થયો હતો.પરંતુ ૧૦ મહિના થવા આવ્યા છતાં હજી ચેરમેનની ચૂંટણી જાહેર થતી નથી.તો વડોદરા જિલ્લા સંઘમાં પણ ૯ મહિના પહેલાં ૧૩ ડિરેક્ટરો ચૂંટાઇ ગયા હોવા છતાં તેના પ્રમુખની ચૂંટણી જાહેર કરવામાં આવતી નથી.
આમ,મેન્ડેટ પ્રથા અમલમાં મુકવા જતાં પક્ષની આબરુ જાય તેવી ભીતી સેવાતી હોવાથી યેનકેન પ્રકારે ચૂંટણીઓ ટાળવાનો કારસો થઇ રહ્યો હોવાથી લોકોમાં ઉગ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.
શિનોર એપીએમસીમાં મેન્ડેટથી બનેલા ચેરમેન અને બહુમતી ડિરેક્ટરો સામસામે
ચેરમેન જૂથ દ્વારા મૂકાયેલા કામોને બહુમતી સભ્યોએ નામંજૂર કર્યા
વડોદરા જિલ્લાની શિનોર એપીએમસી માં મેન્ડેટથી બનેલા ચેરમેનના જૂથ અને બહુમતી ડિરેક્ટરો વચ્ચેની જૂથબંધી ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ,શિનોર બજાર સમિતિમાં ભાજપે મેન્ડેટ આપીને મુકેશ પટેલને ચેરમેન અને જયેશ પટેલને વાઇસ ચેરમેન બનાવ્યા હતા,જેથી ભાજપના કેટલાક આગેવાનો નારાજ પણ થયા હતા.
એપીએમસીમાં તાજેતરમાં ચેરમેનના જૂથે સાધલી ખાતે જનસેવા બનાવવાનો નિર્ણય રજૂ કર્યો હતો.પરંતુ બહુમતી સભ્યોએ વિરોધ કરી આ ઠરાવને નામંજૂર કરાવ્યો હતો.આવી જ રીતે અવાખલ ખાતેની જમીનમાં માટી પુરાણ કરાવવાના અને એપીએમસી દ્વારા ખાતર વેંચવા માટે કેન્દ્ર બનાવવાના નિર્ણયનો પણ વિરોધ કરતાં બંને કામો થઇ શક્યા નથી.
બરોડા સેન્ટ્રલ બેન્કની છ મહિના વધારેલી ટર્મ પણ પુરી થઇ ગઇ
પાંચ વર્ષ પુરા થઇ ગયા બાદ સરકારે વધારેલી ટર્મ પણ જુલાઇમાં પુરી થઇ છતાં ચૂંટણી જાહેર થઇ નથી
વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ કો.ઓ.બેન્કની ચૂંટણી પણ હજી જાહેર નહિ થતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
૧૧૩ વર્ષ જૂની બરોડા સેન્ટ્રલ બેન્કની વડોદરા,છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની ૧૨૦૦ થી વધુ મંડળીઓ સભાસદ છે અને ૩૦૦૦ કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવે છે.આ બેન્કના વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પાંચ વર્ષની ટર્મ પુરી થતાં સરકારે જાન્યુઆરી-૨૦૨૬માં છ મહિનાની મુદત વધારી આપી હતી.
આ ટર્મ પણ ગઇ તા.૨૭મી જૂલાઇએ પુરી થઇ ગઇ છે.પરંતુ ત્યારપછી પણ ચૂંટણી જાહેર કરવામાં આવી નથી.