'આખી બેચને ટોર્ચર કરાઇ, ભાગવા જતાં વિદ્યાર્થીનો પગ રેલિંગમાં ફસાયો...', વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં સ્ફોટક ખુલાસા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Medical Collage Regging : સરકારની જીએમઈઆરએસ દ્વારા સંચાલિત ગોત્રી મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આ મામલામાં રેગિંગનો ભોગ બનેલા ત્રણ વિદ્યાર્થીઓએ નેશનલ મેડિકલ કાઉન્સિલને સીધી ફરિયાદ કર્યા બાદ મેડિકલ કોલેજોના સત્તાધીશોએ એન્ટિ રેગિંગ કમિટિની બેઠક બોલાવીને કાર્યવાહી શરૂ કરી છે.
ભોગ બનેલા જૂનિયર વિદ્યાર્થીઓ આજે કમિટિ સમક્ષ નિવેદન આપવા માટે હાજર રહ્યા હતા. એ પછી તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપીને સ્ફોટક આક્ષેપો કર્યા હતા. જે અનુસાર ગોત્રી મેડિકલ કોલેજના કેમ્પસમાં ફટાકડા ફોડવાની ઘટનાના પગલે ચોથા વર્ષમાં ભણતા કેટલાક સિનિયર વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડનારને સજા કરવા જાતે જ તપાસ શરૂ કરી દીધી હતી અને તેમાં બીજા વર્ષના ઉપરોક્ત ત્રણ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કર્યા હતા.
આ વિદ્યાર્થીઓના કહેવા અનુસાર તા.25 નવેમ્બરની અડધી રાતે સિનિયર વિદ્યાર્થીઓએ બીજા વર્ષના વિદ્યાર્થીઓની આખી બેચને હોસ્ટેલની લોબીમાં હાજર થવા ફરમાન કર્યું હતું. ભેગા થયેલા તમામને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. જેઓ ભર ઉંઘમાં હતા તેમને પણ ઉઠાડીને લાવવામાં આવ્યા હતા. એક વિદ્યાર્થીને આઠમા માળે 814 નંબરના રૂમમાં બોલાવાયો હતો. તેને સિનિયર વિદ્યાર્થીઓએ અભદ્ર ભાષામાં ગાળો આપી હતી. આ વિદ્યાર્થી એટલો નાસીપાસ થયો હતો કે, દરવાજો ખોલીને લોબીની રેલિંગ પરથી કૂદવા જતો હતો. જોકે તેનો પગ રેલિંગમાં ફસાઈ ગયો હતો અને તેના કારણે તેની પાછળ દોડેલા બીજા વિદ્યાર્થીઓએ તેને બચાવી લીધો હતો.
શરીરના ચોક્કસ ભાગમાં દંડો નાખી દઈશું, તું નીચી જાતિનો છે, મરવું હોય તો નીચે જઈને મર
ભોગ બનેલા એક વિદ્યાર્થીનું કહેવું છે કે, જે વસ્તુ અમે કરી નથી તેની કબૂલાત કરવા માટે દબાણ કરાયું હતું. અમારી આખી બેચને સિનિયર વિદ્યાર્થીઓએ અમારી વિરુધ્ધ કરી નાખી હતી. કબૂલાત ના કરીએ તો માર મારવાની ધમકી આપી હતી. ઠંડીમાં મને પાચમા માળેથી ઉઠાડીને નીચે લવાયો ત્યારે પૂરતા કપડા પહેરવાનો મોકો આપ્યો નહોતો.
મધરાતે ત્રણ કલાક સુધી અમને માનસિક ત્રાસ અપાયો હતો. 814 નંબરના રૂમમાં બોલાવીને અભદ્ર ભાષામાં ગાળો આપી હતી અને કહ્યું હતું કે, ચોક્કસ ભાગમાં દંડો નાંખી દઈશું. એક સિનિયર વિદ્યાર્થીએ કહ્યું હતું કે, હું ફાઈનલ વર્ષનો સીઆર છું અને જો ગુનો કબૂલશો નહીં તો કેરિયર બરબાદ થઈ જશે. મારી સાથેનો એક વિદ્યાર્થી રેલિંગ પરથી કૂદવા જતો હતો. તેને બીજાએ બચાવી લીધો ત્યારે સિનિયર વિદ્યાર્થીએ કહ્યું હતું કે, તું નીચી જાતિનો છે. અહીં નહીં પણ નીચે જઈને મર.
ત્રાસ આપનારા સિનિયરો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવેઃ આત્મહત્યાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થી
આત્મહત્યાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીનું કહેવું હતું કે, મને એટલો ત્રાસ આપ્યો હતો કે આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો હતો. આઠમા માળે 814 નંબરના રૂમમાં અમને બોલાવ્યા હતા. જ્યાં પાંચ જેટલા સિનિયર વિદ્યાર્થીઓએ અમને ટોર્ચર કર્યા હતા. હું એક વર્ષ પાછળ ચાલી રહ્યો છું. સિનિયર વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, તારો એક એટેમ્પટ થઈ ગયો છે. તને ચાર જ એટેમ્પટ મળવાના છે. હું ઈચ્છું છું કે, મને ત્રાસ આપનારા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે.




