Baroda

9 વર્ષથી પોતાના ઘર માટે રાહ જોતા સહકાર નગરના વિસ્થાપિતો ફરી વડોદરા કોર્પોરેશનના દ્વારે

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં 2017માં તોડાયેલી સહકાર નગર વસાહતના 1,428 પરિવારો 9 વર્ષથી આવાસની રાહ જોઈ રહ્યા છે. વિસ્થાપિતોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી જણાવ્યું કે, 2,000 રૂપિયા ભાડા સહાય પણ અનિયમિત મળે છે અને 24 મહિનાનું ભાડું બાકી છે. મોંઘવારીમાં આ રકમ અપૂરતી છે. તેઓએ ઝડપી આવાસ અને બાકી ભાડાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

9 વર્ષથી પોતાના ઘર માટે રાહ જોતા સહકાર નગરના વિસ્થાપિતો ફરી વડોદરા કોર્પોરેશનના દ્વારે

Vadodara Corporation : વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં બેસિસ સ્કૂલની સામે આવેલી અંદાજે 1,428 મકાનો ધરાવતી સહકાર નગર વસાહતને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2017માં જમીનદોસ્ત કરવામાં આવી હતી. વસાહત તોડાયા બાદ મકાનવિહોણા બનેલા અનેક પરિવારો છેલ્લા નવ વર્ષથી કાયમી આવાસની રાહ જોઈ રહ્યા છે. દરમિયાન વિસ્થાપિતોએ ફરી એક વખત મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગમાં રજૂઆત કરી પોતાની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે.
લાભાર્થીઓના જણાવ્યા મુજબ, વસાહત તોડ્યા બાદ તેમને દર મહિને રૂ.2,000 ભાડા સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે વર્ષો વીતી ગયા છતાં ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. બીજી તરફ ભાડાની રકમ પણ નિયમિત મળતી નથી. ઈજારદાર દ્વારા કોઈક વખત ભાડું ચૂકવવામાં આવે છે તો કોઈક વખત ચૂકવણી થતી નથી. હાલ કુલ 24 મહિનાનું ભાડું બાકી હોવાનું લાભાર્થીઓએ જણાવ્યું છે.
વિસ્થાપિતોનું કહેવું છે કે સતત વધી રહેલી મોંઘવારીના કારણે રૂ.2,000માં ભાડે મકાન મળવું મુશ્કેલ બની ગયું છે, જેના કારણે પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. અનેક પરિવારોને સ્થળાંતર કરીને ભાડાના મકાનોમાં રહેવાની ફરજ પડી રહી છે.
લાભાર્થીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે સહકાર નગરના પુનર્વસન માટે આવાસો બનાવવાની કામગીરી ક્યૂબ કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવી છે. જોકે વર્ષો બાદ પણ આવાસોનો કબજો મળ્યો નથી. તેથી બાકી રહેલી 24 મહિનાની ભાડા સહાયની તાત્કાલિક ચૂકવણી કરવામાં આવે તેમજ આવાસોનું કામ ઝડપથી પૂર્ણ કરીને લાભાર્થીઓને વહેલી તકે કબજો સોંપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.