અધ્યાપકોને સિક્યુરિટીની જવાબદારી વર્ગોમાં ચેકિંગ માટે સ્કવોડ બનાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના એક વર્ગમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનો અશ્લીલ હરકત કરતો વિડિયો વાયરલ થયા બાદ સત્તાધીશોએ તપાસ માટે એક કમિટિ બનાવી છે.
તેની સાથે સાથે હવે એક સ્કવોડ પણ બનાવવામાં આવી છે.જેમાં સાત અધ્યાપકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ સ્કવોડને ક્લાસરુમોનું ચેકિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.જોકે તેની સામે પણ આંતરિક કચવાટ છે.
એક અધ્યાપકનું કહેવું છે કે, ક્લાસરુમ હોય કે કેમ્પસ પણ ચેકિંગ કરવાનું કામ સિક્યુરિટીનું છે.અધ્યાપકોનું કામ ભણાવવાનું છે.હવે ફેકલ્ટી ડીને આદેશ આપ્યો છે તો અધ્યાપકો ભણાવવાનું છોડીને સિક્યુરિટી ગાર્ડની જેમ દરેક ક્લાસરુમમાં ચેકિંગ કરવા માટે ફરશે?
એવી પણ ચર્ચા છે કે, સ્કવોડ ભલે બનાવવામાં આવી પણ તેની કામગીરી કાગળ પર જ રહેવાની છે.અગાઉ પણ અધ્યાપકોને આઈ કાર્ડ ચેકિંગની કામગીરી સોંપવામાં આવી હતી અને તેના પર પણ કોઈ અમલ થયો નહોતો.
હકીકત એ છે કે, આર્ટસ ફેકલ્ટીમાં અશ્લીલ હરકતની ઘટનાએ ફેકલ્ટીમાં સીસીટીવીની ગેરહાજરીને ઉજાગર કરી છે.યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં એમ પણ સીસીટીવીની જરુરિયાત વરતાઈ રહી છે પણ હજી સુધી સત્તાધીશોએ એ દિશામાં કોઈ કાર્યવાહી કરી નથી.જો કોઈ ગંભીર ઘટના બની તો તેનો કોઈ પૂરાવો જ સત્તાધીશો આપી શકે તેવી સ્થિતિમાં નથી.




