સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની કમાણી પર પણ ટેક્સ અને જીએસટી લાગી શકે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની કમાણી પર પણ ઇન્કમટેક્સ લાગી શકે છે. તેમને પ્રમોશન માટે મળતી ફ્રી ગિફટ પર જીએસટી પણ ભરવો પડી શકે છે. આ મુદ્દા પર ઈન્સ્ટિટયુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઑફ ઇન્ડિયાની વડોદરા બ્રાન્ચ દ્વારા યોજાયેલી બે દિવસની રિજનલ કોન્ફરન્સમાં ચર્ચા થઈ હતી.
કોન્ફરન્સમાં હાજર રહેલા આઇસીએઆઇની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના ચેરમેન સૌરભ અજમેરા તથા વડોદરા બ્રાન્ચના ચેરપર્સન પ્રશાંત કોટેચાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, છેલ્લા કેટલાક સમયથી હવે સોશ્યલ મીડિયાનું ચલણ વધવાની સાથે-સાથે તેના પર બ્રાન્ડિંગ કરતાં ઇન્ફ્લુએન્સર્સની કમાણી પણ વધી રહી છે અને તેમને પણ ટેકસ ભરવો પડી શકે છે. આ માટેની જોગવાઈઓ અંગે કોન્ફરન્સમાં હાજર રહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે-સાથે સીએને પણ સોશ્યલ મીડિયા પર પોતાનું બ્રાન્ડિંગ કેવી રીતે કરવું તેની સમજ આપવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કરદાતાઓ માટે હવે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે જૂની સ્કીમ અને નવી સ્કીમ એમ બે વિકલ્પ ઉપલબ્ધ છે પણ નવી સ્કીમમાં ટેક્સની છૂટનો સ્લેબ વધારે હોવાથી તેમજ તેમાં ઓછા ડૉક્યુમેન્ટની જરૂર પડતી હોવાથી નવી સ્કીમની લોકપ્રિયતા વધી રહી છે. વ્યક્તિગત ટેક્સ રિટર્ન ફાઇલ કરનારા 80 ટકા કરદાતાઓ હવે નવી સ્કીમ હેઠળ જ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે.




