વીજ લાઈનોના સમારકામની સાથે રોજ ૨૦૦ સ્માર્ટ મીટરના વીજ બિલના વિતરણનો ટાર્ગેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મધ્ય ગુજરાત વીજ કંપનીના ટેકનિકલ કર્મચારીઓની હાલત પણ શિક્ષકો જેવી થઈ રહી છે તેવો ચોંકાવનારો આક્ષેપ ખુદ કર્મચારી સંગઠનો કરી રહ્યા છે. જે રીતે શિક્ષકોને ભણાવવા સિવાયની બીજી કામગીરી સોંપવામાં આવે છે તેવી હાલત ટેકનિકલ કર્મચારીઓની થઈ રહી છે.તેમનું કામ વીજ લાઈનોના સમારકામનું છે.જેથી વીજ સપ્લાય ખોરવાય નહીં.તેની જગ્યાએ હવે તેમને સ્માર્ટ મીટરના બિલ ગ્રાહકો સુધી પહોંચાડવાનું અને સૂર્ય ઘર સોલાર સ્કીમ માટે ગ્રાહકોના રજિસ્ટ્રેશન જેવું કામ પણ સોંપાઈ રહ્યું છે.
ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના સેક્રેટરી રાજીવ ખત્રીનું કહેવું છે કે, દરેક સબ ડિવિઝનમાં દરેક ટેકનિકલ કર્મચારીને તેની રોજની કામગીરી ઉપરાંત સરેરાશ ૨૦૦ જેટલા સ્માર્ટ મીટરના વીજ બિલ વિતરણનો તથા સૂર્યઘર યોજના માટે ૪૦ ગ્રાહકોના ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.જો ટાર્ગેટ પૂરો ના થાય તો તેની નોંધ પણ લેવામાં આવે છે.જેના કારણે હવે ટેકનિકલ કર્મચારીઓને વીજ લાઈનોનું સમારકામ કરવા માટે પૂરતો સમય મળી રહ્યો નથી.
ટેકનિકલ કર્મચારી મંડળનું એવું પણ કહેવું છે કે, વીજ લાઈનોના સમારકામ માટે હવે સબ ડિવિઝનોમાં આઉટસોર્સિંગના કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવે છે પણ આ પૈકીના કેટલાય કર્મચારીઓ એવા છે જેેમની પાસે વીજ લાઈનો પર કામ કરવાનો અનુભવ જ નથી.કેટલાક તો એવા પણ જેમણે અગાઉ વાયરમેન તરીકે પણ કામ કર્યું નથી.જેના કારણે વીજ લાઈનો પર અકસ્માત થવાનું જોખમ વધી ગયું છે.આ બાબતે સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે.




