જી.એસ.એફ.સી. કંપનીના યુરિયા પ્લાન્ટમાં સુપરવાઇઝરનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જી.એસ.એફ.સી. માં યુરિયા પ્લાન્ટની ટેન્કમાં કાર્બન ડાયોક્સાઇડ લિકેજ થતા તેનીકામગીરી માટે ઉતરેલા કામદારને ગેસની અસર થતા તેને બચાવવા ગયેલા સુપરવાઇઝર પણ ગેસની અસરથી બેહોશ થઇ ગયા હતા. સુપરવાઇઝરનું મોત થયું છે, જ્યારે કામદાર હજી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, બંનેએ માસ્ક પહેર્યા નહતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બાજવા ગામ પટેલ ખડકીમાં રહેતા ઘનશ્યામભાઇ ચિમનભાઇ ગોહિલ ( ઉં.વ.૪૧) જી.એસ.એફ.સી. કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા. યુરિયા પ્લાન્ટમાં આવેલી વિશાળ ટેન્ક અને પાઇપ લાઈનમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસનું લિકેજ હોઇ આજે સવારે મેન્ટેનન્સનું કામ ચાલતું હતું. લિકેજ બંધ કરવા ટેન્કમાં પહેલા કર્મચારી કેયૂર પરમાર અંદર ઉતર્યા હતા. પરંતુ, ગેસની અસરના કારણે તેઓ બેહોશ જેવા થઇ જતા તેઓને બચાવવા માટે સુપરવાઇઝર ઘનશ્યામભાઇ અંદર ઉતર્યા હતા.અંદાજે સાડા અગિયાર વાગ્યે કાર્બન ડાયોક્સાઇડ ગેસના કારણે બંને બેભાન જેવા થઇ જતા ફાયરબ્રિગેડની ટીમે તેઓને બહાર કાઢ્યા હતા. સીપીઆર આપતા કેયૂર પરમારના શરીરમાં હલન ચલન જણાઇ હતી. જ્યારે ઘનશ્યામભાઇના શરીરમાં કોઇ હલન ચલન જણાતી નહતી. બંનેને સારવાર માટે છાણીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ, અડધો કલાકમાં જ સુપરવાઇઝર ઘનશ્યામભાઇનું મોત થયું હતું. તેઓના મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં જી.એસ.એફ.સી. કંપનીના કોઇ કર્મચારી કે અધિકારી આવ્યા નહીં હોવાનુ જણાવી પરિવારે ભારે રોષ વ્યક્ત કર્યો છે. કેયૂર પરમારની હાલત હજુ ગંભીર છે. તેઓ વેન્ટિલેટર પર છે. કાર્બન ડાયોક્સાઇડ ઝેરી ગેસ છે. તેવા સંજોગોમાં ટેન્કમાં ઉતરતા પહેલા તેઓ માટે માસ્કની પણ વ્યવસ્થા નહતી.સમગ્ર ઘટના જોતા પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે સલામતી કે સુરક્ષાની જોગવાઈનું પાલન કરવામાં આવ્યુંં નથી.આ દુર્ઘટના પાછળ જવાબદારની સામે કાર્યવાહી કરવામાં આવશે, તેવું પોલીસે જણાવ્યું છે.




