Baroda

વડોદરાની જર્જરિત શાળા રાજા રામમોહનરાયના વિદ્યાથીઓ દુકાનોમાં બેસી અભ્યાસ કરશે

By GS Team
6 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા: વાસણા રોડ પર આવેલી રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાની જર્જરિત ઇમારત તોડી નવી બનાવવાની કામગીરી શરૂ થઈ છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે શાળાને નીલકંઠ રેસિડેન્સીની 9 ખાલી દુકાનોમાં હંગામી ધોરણે ખસેડવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ છે. મ્યુનિસિપલ કમિશનરે આ દરખાસ્ત મંજૂરી માટે મોકલી છે, જેના પર શુક્રવારે નિર્ણય લેવાશે. નવી ઇમારત બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની જર્જરિત શાળા રાજા રામમોહનરાયના વિદ્યાથીઓ દુકાનોમાં બેસી અભ્યાસ કરશે

Vadodara : વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાની જર્જરિત ઇમારત તોડી નવી શાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નવી ઇમારત તૈયાર ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે માટે શાળાને હંગામી ધોરણે અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શાળાની નજીક આવેલી નીલકંઠ રેસિડેન્સી (વાસણા સરકારી શાળા પાછળ) ખાતે આવેલી હાઉસિંગ એફોર્ડેબલ યોજના હેઠળની ખાલી દુકાનોમાં શાળાનું હંગામી સ્થળાંતર કરવાની દરખાસ્ત કરી છે. અહીં કુલ 14 ખાલી દુકાનોમાંથી 9 દુકાનો એક વર્ષ માટે વિનામૂલ્યે ફાળવવાની માગ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગેની દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. દરખાસ્ત મુજબ નવી શાળાનું બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને આ હંગામી સ્થળે શિક્ષણ આપવામાં આવશે. એક વર્ષની મુદત પૂર્ણ થયા બાદ દુકાનોનો કબજો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને પરત સોંપવાનો રહેશે.
આ દરખાસ્ત અંગે સ્થાયી સમિતિની શુક્રવારે મળનારી બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. જો દરખાસ્તને મંજૂરી મળશે તો રાજા રામમોહનરાય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નવી ઇમારત તૈયાર થાય ત્યાં સુધી નીલકંઠ રેસિડેન્સીની દુકાનોમાં અભ્યાસ કરાવવામાં આવશે.