Baroda

સીએની ઈન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડમાં વધારો થશે

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ICAIની બે દિવસીય કોન્ફરન્સમાં બોર્ડ ઑફ સ્ટડીઝના ચેરપર્સન રાજેશ શર્માએ જાહેરાત કરી કે, સીએના ઇન્ટર્નશિપ કરતાં વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડમાં 1000 રૂપિયાનો વધારો થશે. હાલમાં શહેરની વસતી મુજબ 3000, 4000 અને 5000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળે છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં સીએની માંગ સતત વધી રહી છે અને ગત વર્ષે 5800 ઉમેદવારો સામે 12500 વેકેન્સી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સીએની ઈન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડમાં વધારો થશે

Vadodara : ઇન્ટર્નશિપ કરતાં સીએના વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડમાં બહુ જલ્દી વધારો થવાનો છે. અત્યારે શહેરની વસતી પ્રમાણે વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું 3000, 4000 અને 5000 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવાનો નિયમ છે. આ ત્રણે કેટેગરીમાં 1000 રૂપિયાનો વધારો થશે તેમ ઈન્સ્ટિટયુટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઑફ ઇન્ડિયાના બોર્ડ ઑફ સ્ટડીઝના ચેરપર્સન રાજેશ શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.
આઇસીએઆઇના વડોદરા ચેપ્ટર દ્વારા બે દિવસની નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. જેના ઉદઘાટન સત્રમાં હાજર રહેલા રાજેશ શર્માએ કહ્યું હતું કે, ભારતમાં કોઈ પણ કોર્સ કરતા વધારે ડિમાન્ડ સીએના વિદ્યાર્થીઓની છે. ગત વર્ષે સમગ્ર ભારતમાં કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે સીએની ડિગ્રી મેળવનારા 5800 ઉમેદવારો રજિસ્ટર્ડ થયા હતા અને તેની સામે કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે આવેલી કંપનીઓ પાસે 12500 જેટલી વેકેન્સી હતી. દરેક વિદ્યાર્થીને સરેરાશ 13 લાખ રૂપિયાનું કેટલાકને 20 થી 24 લાખ રૂપિયાનું પેકેજ પણ મળ્યું હતું. આઇસીએઆઇ કેમ્પસ ઈન્ટરવ્યૂ માટે નવ લાખથી ઓછુ પેકેજ ઑફર કરનાર કંપનીઓને રજિસ્ટર્ડ પણ નથી કરતું. જે રીતે અન્ય દેશોના એકાઉન્ટિંગ અને ટેકસેશનની કામગીરી ભારતમાં આવી રહી છે અને ભારતની ઈકોનોમીનો વ્યાપ વધી રહ્યો છે તે જોતા સીએની ડિમાન્ડમાં હજી પણ વધારો થવાનો છે. તેમણે સાથે સાથે કહ્યું હતું કે, સીએ ઇન્ટર પાસ થયેલા વિદ્યાર્થીઓ પાસે પણ ઉજળી તકો છે. તેમના માટે બિઝનેસ એકાઉન્ટિંગ એસોસિએટસ નામથી કોર્સ શરુ કર્યો છે. ઉપરાંત આગામી સમયમાં સીએ ઈન્ટર માટે પણ દેશની વિવિધ બ્રાન્ચમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ આયોજીત કરવાની પણ વિચારણા છે.

એઆઇથી સીએની ડિમાન્ડ ઘટશે નહીં પણ વધશે
રાજેશ શર્માએ કહ્યું હતું કે, દુનિયામાં ભલે એઆઇના કારણે નોકરીઓ પર ખતરો હોય પણ સીએના મામલામાં ઊંધી સ્થિતિ છે. એઆઇના કારણે સીએની ડિમાન્ડ વધવાની છે. કારણકે એઆઇની મદદથી સીએ વધારે ઝડપથી અને વધારે સારી રીતે પોતાની કામગીરી કરી રહ્યા છે.

કોર્પોરેટ મિત્ર માટે ઘણી તકો, દેશના 2500 વિસ્તારોમાં સીએ નથી
કોર્પોરેટ મિત્ર પ્રોગ્રામમાં જોડાનારા વિદ્યાર્થીઓ માટે પણ રોજગારીની તકો ઉભી થવાની છે. કારણકે ભારતમાં પોસ્ટના હિસાબે જોવામાં આવે તો 19500 પિનકોડ એટલે કે વિસ્તારો છે અને તેમાંથી 1700 પિનકોડમાં જ સીએ ઉપલબ્ધ છે. બાકીના વિસ્તારોમાં સીએ નથી તો કોર્પોરેટ મિત્ર કાર્યક્રમ હેઠળ તાલીમ મેળવીને વિદ્યાર્થીઓ વેપારીઓને એકાઉન્ટિંગ, જીએસટી, આઇટી રિટર્ન ફાઈલિંગ જેવી કામગીરીમાં મદદ કરી શકશે.

સીએના અભ્યાસ પાછળ માત્ર 80000 રૂપિયાનો ખર્ચઆઇસીએઆઇના હોદ્દેદારોનું કહેવું છે કે, શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે ત્યારે સીએ જ એક માત્ર એવો કોર્સ છે જે ગરીબ વિદ્યાર્થીઓને પણ પોસાય તેવો છે. એક વિદ્યાર્થી 80000 રૂપિયામાં સીએ થઈ શકે છે. ઉપરાંત પાંચ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારના વિદ્યાર્થીઓને આઇસીએઆઇ દ્વારા સ્કોલરશિપ પણ આપવામાં આવે છે.