Baroda

ચોટીલા માતાજીના દર્શન કરવા ગયેલા દંપતીના મકાનમાં તસ્કરોનો હાથફેરો : રૂ.1.31લાખની ચોરી

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના સમા વિસ્તારમાં ચોટીલા માતાજીના દર્શને ગયેલા દંપતીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અજાણ્યા તસ્કરોએ દરવાજાની જાળી અને તિજોરી તોડી રૂ. 1.31 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોટીલા માતાજીના દર્શન કરવા ગયેલા દંપતીના મકાનમાં તસ્કરોનો હાથફેરો : રૂ.1.31લાખની ચોરી

Vadodara Theft Case : વડોદરાના સમા વિસ્તારમાં ચોટીલા માતાજીના દર્શન માટે ગયેલા દંપતીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનના દરવાજાની જાળી અને અંદરની તિજોરી તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી રૂ.1.31 લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બનાવ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. અટલાદરાના કિશન સિગ્નેચરમાં રહેતા પવન જયેશકુમાર દવેએ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની બહેન મેઘાબેનના લગ્ન સમાવિ વિસ્તારમાં રહેતા હિરેન દિનેશભાઈ રાઠોડ સાથે થયા છે અને તેઓ સમાની નીલતરંગ સોસાયટીમાં રહે છે. તા.2 ઓગસ્ટની સવારે મેઘાબેને ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ ચોટીલા માતાજીના દર્શન માટે ગયા છે અને પડોશીએ ઘરના તાળા તૂટ્યાની જાણ કરી છે.
પવન દવે અને તેમની માતા તાત્કાલિક બહેનના ઘરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાની લોખંડની જાળીનો નકુચો તૂટેલો અને અંદરનો લાકડાનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. બેડરૂમમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને લોખંડની તિજોરીનું લોક તોડી લોકરમાં રાખેલા દાગીના તથા રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.
ચોરીમાં અંદાજે 11 ગ્રામની સોનાની ચેઇન-પેન્ડલ, સોનાની બુટ્ટી, વીંટી, નાકની ચૂંક, ચાંદીની ચાર વીંટીઓ, એક જોડી પાયલ, એક જોડી પાટલા તેમજ રૂ.8 હજાર રોકડ મળી કુલ રૂ.1,31,270ની માલમત્તા ચોરાઈ હોવાનું જણાવાયું છે.
પ્રાથમિક તપાસ મુજબ તા.1 ઓગસ્ટની રાત્રે 10 વાગ્યાથી 2 ઓગસ્ટની સવારે 8:30 વાગ્યાની વચ્ચે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનમાં ઘુસીને ચોરીને અંજામ આપ્યો હોવાનું માનવામાં આવે છે. સમા પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.