Baroda

વડોદરાના રાજમહેલમાં શરણાઈના સૂર અને ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષ વચ્ચે શ્રીજી પધાર્યા

By GS Team
14 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના રાજમહેલમાં આજે રાજવી પરિવારે પરંપરાગત રીતે શ્રી ગણેશજીની સ્થાપના કરી. શરણાઈના સૂર અને 'ગણપતિ બાપા મોરિયા'ના જયઘોષ વચ્ચે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકારાજે સહિત પરિવારે પૂજા કરી. 90 વર્ષથી ચવ્હાણ પરિવાર જ આ મૂર્તિ બનાવે છે. ભાવિકો દસ દિવસ દર્શન કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના રાજમહેલમાં શરણાઈના સૂર અને ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષ વચ્ચે શ્રીજી પધાર્યા

Vadodara Ganeshotsav : વડોદરા શહેરના રાજમહેલમાં આજે રાજવી પરિવાર દ્વારા પરંપરાગત રીતે શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. શરણાઈના સૂર, ભજન-કીર્તન અને ‘ગણપતિ બાપા મોરિયા’ના ગગનભેદી જયઘોષ વચ્ચે શ્રીજીને પાલખીમાં રાજમહેલમાં લાવવામાં આવ્યા હતા. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ, રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડ સહિત રાજવી પરિવારના સભ્યોએ ધાર્મિક વિધિ સાથે શ્રીજીની સ્થાપના કરી હતી.
રાજમહેલમાં બિરાજમાન થતી શ્રીજીની મૂર્તિ સાથે 90 વર્ષ જૂની પરંપરા જોડાયેલી છે. છેલ્લા નવ દાયકાથી વડોદરાનો ચવ્હાણ પરિવાર જ રાજવી પરિવાર માટે ગણપતિની મૂર્તિ તૈયાર કરી રહ્યો છે. અગાઉ વડોદરા સ્ટેટ દ્વારા ગણપતિની મૂર્તિ તૈયાર કરવા માટે મૂર્તિકારોની હરીફાઈ યોજવામાં આવી હતી. મૂર્તિની પસંદગી માટે કાશીના પંડિતોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં રાજવી દરબારમાં કલાકાર તરીકે સ્થાન મેળવનાર સ્વ. કૃષ્ણરાવ ચવ્હાણ દ્વારા તૈયાર કરાયેલી મૂર્તિ પસંદ કરવામાં આવી હતી. ત્યારથી આ પરંપરા સતત જળવાઈ રહી છે.
દરમિયાન આજે શહેરના રાજમાર્ગો પરથી શ્રીજીની આગમનયાત્રા નીકળતા ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન ભાવિકોએ શ્રીજીના દર્શન કર્યા હતા. સ્થાપના બાદ શ્રીજીને રાજમહેલના દરબાર હોલમાં બિરાજમાન કરાયા છે. આગામી દસ દિવસ સુધી ભાવિકો શ્રીજીના દર્શન કરી શકશે. આ દરમિયાન રાજમહેલમાં ભજન-કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.