Baroda

સ્કૂલ બસના મહિલા કંડક્ટરે પતિ સાથે મળીને ડ્રાઇવરની હત્યા કરી

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં આજવારોડની સ્કૂલ બસના ડ્રાઇવર રમેશ પવારની હત્યાનો ભેદ ઉકેલાયો છે. મહિલા કંડક્ટર પૂજા ખડસે અને તેના પતિ હિમાંશુએ ₹2 લાખની તકરારમાં રમેશની હત્યા કરી લાશ હાઇવે પર ફેંકી દીધી હતી. શરૂઆતમાં અકસ્માત મોત નોંધાયું હતું, પરંતુ પોલીસે તપાસ કરતા હત્યાનો ખુલાસો થયો. મકરપુરા પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્કૂલ બસના મહિલા કંડક્ટરે પતિ સાથે મળીને ડ્રાઇવરની હત્યા કરી

આજવારોડની એક સ્કૂલ બસની મહિલા કંડક્ટરે પતિ સાથે મળીને બસના ડ્રાઇવરની માત્ર બે લાખની તકરારમાં હત્યા કરી લાશને હાઇવે પર ફેંકી દીધી હતી. શરૃઆતમાં અકસ્માત મોતની નોંધ દાખલ કરી પોલીસે શરૃ કરેલી તપાસમાં હત્યાની વિગતો પ્રકાશમાં આવતા પોલીસે ગુનો દાખલ કરી દંપતી સામે કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાના કેસની મળતી વિગતો મુજબ, આજવારોડ એકતાનગરમાં આંબેડકર નગરમાં રહેતા રમેશભાઇ ગણપતરાવ પવાર આજવારોડની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. તેમની સાથે બસમાં કંડક્ટર તરીકે ગાજરાવાડીમાં રહેતી પૂજા ખડસે નોકરી કરતી હતી. ગત ૭ મી તારીખે રમેશભાઇ પાડોશીને એવું કહીને ઘરેથી નીકળ્યા હતા કે, પૂજાને બરોડા ડેરી પાસે અકસ્માત થયો છે. હું અડધો કલાકમાં જઇને આવું છું.રિક્ષા લઇને ઘરેથી નીકળ્યા પછી તેઓ ૨૪ કલાક સુધી પરત આવ્યા નહતા.
જેથી, પાડોશીએ રમેશભાઇના પુત્ર કેયૂરને જાણ કરી હતી. ભરૃચના ભોલાવ ખાતે રહેતો કેયૂર વડોદરા દોડી આવ્યો હતો. તેણે સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં તપાસ કરતા કોઇ ભાળ મળી નહતી. જે અંગે ૯ મી તારીખે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. રમેશભાઇના પાડોશમાં રહેતા હર્ષિલ સોલંકીએ હાઇવે પર સતીમાતા હોટલ નજીકથી લાશ મળી હોવાનો સોશ્યલ મીડિયા પરનો વીડિયો મૃતક રમેશભાઇના પુત્રને મોકલી આપ્યો હતો. મકરપુરા પોલીસ સ્ટેશન જઇને તપાસ કરતા મૃતક રમેશભાઇ હોવાનું સ્પષ્ટ થયું હતું. દરમિયાન મકરપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.એ. ભેડાએ તપાસ હાથ ધરતા એવી વિગતો જાણવા મળી હતી કે, રમેશભાઇએ તેમની સાથે નોકરી કરતા પૂજાબેનને ત્રણ લાખની લોન પોતાના એકાઉન્ટમાંથી લઇને આપી હતી. તે લોનના હપ્તા પૂજાબેન આપતા નહતા. તે બાબતે વાતચીત કરવા માટે રમેશભાઇને બરોડા ડેરી પાસે રાત્રે બોલાવીને પૂજાબેન અને તેમના પતિ હિમાંશુએ ઝઘડો કર્યો હતો. હિમાંશુએ બસની ટોમીથી હુમલો કરી છાતીમાં ગંભીર ઇજા પહોંચાડતા રમેશભાઇનું મોત થયું હતું. ત્યારબાદ તેઓ લાશને હાઇવે પર ફેંકી આવ્યા હતા. પી.આઇ. એ.એમ. ગોહિલે દંપતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.