Baroda

દાહોદ જિલ્લામાં મનરેગા યોજનાના કામોમાં ગેરરીતિ રેઢાણા, સીમામોઈ અને ભાણપુરના સરપંચોને હોદ્દા પરથી દૂર કરાયા

By GS Team
24 Nov 20262 mins read
TukuTouch Logo
દાહોદ જિલ્લામાં મનરેગા સહિતના વિકાસ કાર્યોમાં ગેરરીતિ બદલ કડક કાર્યવાહી કરાઈ છે. દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાની 3 ગ્રામ પંચાયતોના સરપંચોને DDO દ્વારા હોદ્દા પરથી દૂર કરાયા છે. રેઢાણાના અશ્વિનભાઈ કોળી, સીમામોઈના શારદાબેન રાઠોડ અને ભાણપુરના જામસિંહ પરમાર સામે આ પગલું લેવાયું છે. 2022-23ના કામોની તપાસમાં ગંભીર અનિયમિતતાઓ જણાતા આ નિર્ણય લેવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દાહોદ જિલ્લામાં મનરેગા યોજનાના કામોમાં ગેરરીતિ રેઢાણા, સીમામોઈ અને ભાણપુરના સરપંચોને હોદ્દા પરથી દૂર કરાયા

દાહોદ જિલ્લામાં મનરેગા યોજના સહિત ગ્રામ પંચાયતો દ્વારા કરાયેલા વિકાસલક્ષી કામોમાં ગેરરીતિ, નાણાકીય અનિયમિતતા અને હોદ્દાના દુરુપયોગના મામલે જિલ્લા વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોના સરપંચોને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ ડીડીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ ૫૭(૧) હેઠળ આ હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં દેવગઢ બારિયા તાલુકાની રેઢાણા ગ્રામ પંચાયતના સરપંચ અશ્વિનભાઈ કેશાભાઈ કોળી, ધાનપુર તાલુકાની સીમામોઈ ગ્રામ પંચાયતનાં સરપંચ શારદાબેન પરવતસિંહ રાઠોડ અને ભાણપુર ગ્રામ પંચાયતના સરપંચ જામસિંહ દીતાભાઈ પરમાર સામે કરાયેલી કાર્યવાહીનો સમાવેશ છે.
વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મનરેગા યોજના હેઠળ મંજૂર કરવામાં આવેલા વિકાસકામોની તપાસ હાથ ધરવામાં આવી હતી. રેઢાણા ગ્રામ પંચાયતનાં કુલ ૩૯ કામો, સીમામોઈનાં ૪૮ કામો અને ભાણપુર ગ્રામ પંચાયતનાં ૧૯ કામોની ચકાસણી કરાઇ હતી. તપાસ દરમિયાન મંજૂર થયેલાં કામો અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે વિસંગતતા, અધૂરાં કામો, દસ્તાવેજોની જાળવણીમાં ખામીઓ તેમજ મસ્ટરરોલ, માપણી અને નાણાકીય વ્યવહારો સહિતના વિવિધ પાસાઓમાં અનિયમિતતાઓ જણાઇ હતી.
ત્રણેય સરપંચોને પોતાનો પક્ષ રજૂ કરવા માટે વારંવાર સુનાવણીની તક પણ અપાઇ હતી. જો કે, રજૂ થયેલા જવાબો અને ઉપલબ્ધ દસ્તાવેજોની ચકાસણી બાદ ફરજમાં ગંભીર નિષ્કાળજી અને હોદ્દાના દુરુપયોગની બાબતો ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ત્રણે ગામના સરપંચોને હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લઇ હુકમનો તાત્કાલિક અમલ કરવા સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ અંગે મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના સક્ષમ અધિકારીઓને પણ જરૃરી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે.