માતાજીના દર્શનના બહાને બોલાવી સાંગ્માના યુવાને જ મહિલાની હત્યા કરી લાશને કેનાલમાં નાંખી દીધી હતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાદરા તાલુકાના સાંગ્મા ગામે કેનાલમાંથી મળેલી મહિલાની હત્યા થયેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ ગુનામાં મૃતક મહિલા સાથે કામ કરતા સાંગ્મા ગામના યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સાંગ્મા ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી ગઇકાલે સવારે એક મહિલાની હત્યા થયેલી લાશ મળી હતી. આ અંગે પાદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાયા બાદ મૃતક મહિલા ભરૃચ જિલ્લાના પાલેજમાં પંચાયત પાસે લાલજી કમ્પાઉન્ડમાં રહેતી પાર્વતી નરેશભાઇ ઠાકોર (ઉ.વ.૩૫)ની ઓળખ થઇ હતી. વડોદરાની સયાજી હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાનો પતિ ત્રણ માસ પહેલાં જ મૃત્યુ પામ્યો છે તેમજ સંતાનમાં બે પુત્રો હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન સાંગ્મા ગામમાં જ રહેતા અને સયાજી હોસ્પિટલમાં તેની સાથે નોકરી કરતા મહેશ ગણપત ચૌહાણ પર શંકા દ્રઢ થતાં પોલીસે તેને શોધી કાઢી પૂછપરછ કરતાં તેને જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. તેના ઘરથી માત્ર ૫૦ મીટર દૂરથી મહિલાની લાશ મળી હતી. પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે મૃતક મહિલા તેમજ મહેશ વચ્ચેના સંબંધો બાદ મહેશને શક હતો કે મહિલા અન્ય સાથે પણ સંબંધો રાખે છે જેથી દાણા જોવા માટે માતાજીના દર્શન માટે જવાનું છે તેવું બહાનું કાઢી મહિલાને ઘેર બોલાવી હતી.
બાદમાં માતાજી હાલ નહી મળે તેમ કહ્યા બાદ મોડી રાત્રે મહેશે મહિલાની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી લાશને વગે કરી દીધી હતી. પોલીસે હત્યાના ગુનાની કબૂલાત બાદ આજે તેની ધરપકડ કરી છે. કાલે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાશે.
મહેશ છેડતીના કેસમાં ત્રણ વર્ષ જેલમાં રહયો છે
સાંગ્મા ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી વિધવાની હત્યા થયેલી લાશ મળ્યા બાદ તેનો ભેદ ઉકેલી પોલીસે સાંગ્મા ગામમાં રહેતા મહેશ ગણપત ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી છે કે મહેશ છેડતીના કેસમાં થોડા સમય પહેલાં જ ત્રણ વર્ષ સુધી જેલમાં રહીને બહાર આવ્યો છે. આ કેસમાં મહેશ તેમજ તેના ભાઇ સામે પણ ગુનો નોંધાયો હતો.









