Baroda

ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે ધંધો કરવાના નામે રૃા.૨.૪૫ કરોડની ઠગાઇ

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સાથે રૂ. 2.45 કરોડની છેતરપિંડી થઈ છે. છાણીના મુકેશ પંચાલે ધંધો શરૂ કરવાના બહાને માંજલપુરનો બંગલો અને ડભોઈના થુવાવી ખાતેના જય રણછોડ ફાર્મ પર લોન લઈ ઠગાઈ આચરી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપના પૂર્વ કોર્પોરેટર સાથે ધંધો કરવાના નામે રૃા.૨.૪૫ કરોડની ઠગાઇ

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ સાથે ધંધો શરૃ કરવાના બહાને છાણીના ભેજાબાજે માંજલપુર ખાતેનો બંગલો તેમજ ડભોઇ તાલુકાના થુવાવી ખાતેના જય રણછોડ ફાર્મ પર લોન લઇ રૃા.૨.૪૫ કરોડની ઠગાઇ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
કલ્પેશ ઉર્ફે જય રણછોડ મનુભાઇ પટેલ(રહે.હરીદર્શન બંગલો, કંચનબાગની બાજુમાં, માંજલપુર)એ મુકેશ મહેન્દ્રભાઇ પંચાલ (રહે.સમશેરા ફ્લેટ, છાણી કેનાલરોડ, મૂળ દ્રારકેશનગર, ગુરુદ્વારા પાસે, છાણી) સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા મિત્ર રવિરાજસિંહ ઝાલાની ગેંડા સર્કલ પાસે આવેલી હોટલમાં છેલ્લા ૧૨ વર્ષથી અવરજવર હોવાથી તેમના દ્વારા અંશ ગૃ નામે ક્લિનિંગ એજન્સી અને મેનપાવર પ્રોવાઇડરનો ધંધો કરતા મુકેશ પંચાલ સાથે ઓળખાણ થઇ હતી. તે સમયે મુકેશ પંચાલે જીઆઇડીસી તેમજ અન્ય સ્થળે કામ હોય તો આપજો તેવી માંગણી કરી હતી.
એક વર્ષ પહેલાં મારી દીકરીનું લગ્ન હોવાથી મારું ઘર તેમજ ઓફિસ ક્લિનિંગનું કામ મુકેશને સોંપ્યું હતું. મે-૨૦૨૫માં મુકેશે ધંધાના વિકાસ માટે રૃપિયાની જરૃર છે તમે મારા ધંધામાં રૃા.૩ કરોડ રોકાણ કરો તો હું દર મહિને રૃા.૬ લાખ રિટર્ન આપીશ તેમજ ધંધામાં જે નફો થાય તેમાંથી ૫૦ ટકા તમારો તેવી વાત કરતા મેં મુકેશ સાથે ધંધો શરૃ કરવાનું નક્કી કર્યું હતું. બાદમા ચાર્ટર્ડ એકાઉન્ટની સલાહ મુજબ મારા પુત્ર મૌર્ય તેમજ મુકેશના સાળા ઉર્મિલના નામે બંનેની સરખી ભાગીદારીમાં આશ્રય અંશ ફેસિલિટી એન્ડ પાવર સર્વિસ નામની કંપની રજિસ્ટર કરાવી હતી અને ધંધા અંગેનું એમઓયુ કર્યું હતું.
મુકેશે મને જણાવેલ કે હાલમાં અઢીથી ત્રણ કરોડ ધંધામાં રોકાણ કરવું પડશે મારી પાસે આટલા રૃપિયા નથી કે મિલકત નથી જેના પર લોન મળે જેથી મેં પણ કહ્યું કે મારી પાસે આટલી રકમ નથી પરંતુ મારા નામનું મકાન જેની કિંમત રૃા.૫થી ૬ કરોડ તેમજ થુવાવીમાં રહેતા મારા પિતરાઇ ભાઇ ચિરાયુ પટેલના નામે જય રણછોડ ફાર્મ જેની કિંમત રૃા.૧૫ કરોડ છે તેના પર લોન મળી શકે. બાદમાં મુકેશના એજન્ટ દ્વારા આદિત્ય બિરલા તેમજ આઇસીઆઇસીઆઇ બેંકમાંથી બે અલગ અલગ મળી કુલ રૃા.૭.૪૭ કરોડની લોન લીધી હતી. આ બંને લોનની રકમ પૈકી રૃા.૨.૪૫ કરોડ લોનનો ડ્રાફ્ટ બંને બેંન્કના અધિકારી સાથે મળીને મુકેશે પોતાની ફર્મના નામે લઇ પોતાની લોન ભરપાઇ કરી છે. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.