Baroda

દેવેશ ઇમ્પેરિયામાં ફ્લેટની છતના પોપડા બે વર્ષમાં ખરી પડતા રહીશને ઈજા : બાંધકામની ગુણવત્તા સામે સવાલ

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના બિલ કેનાલ રોડ પર દેવેશ ઇમ્પેરિયા સોસાયટીના F ટાવરના F-704 ફ્લેટમાં છતનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 35 વર્ષીય સમર્થ પાઠકને હાથમાં ઈજા થઈ હતી. બે વર્ષ જૂની સોસાયટીમાં જ આવી ઘટના બનતા બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. રહીશોએ બિલ્ડર સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેવેશ ઇમ્પેરિયામાં ફ્લેટની છતના પોપડા બે વર્ષમાં ખરી પડતા રહીશને ઈજા : બાંધકામની ગુણવત્તા સામે સવાલ

Vadodara News : વડોદરા શહેરના બિલ કેનાલ રોડ પર શગુન પાર્ટી પ્લોટની પાછળ આવેલી દેવેશ ઇમ્પેરિયા સોસાયટીમાં આજે સવારે ફ્લેટની છતનો મોટો ભાગ અચાનક તૂટી પડતાં ચકચાર મચી ગઈ હતી. એફ ટાવરના એફ-704 ફ્લેટમાં બનેલી આ ઘટનામાં આશરે 35 વર્ષીય સમર્થ પાઠકને હાથના ભાગે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટી તૈયાર થયાને હજુ માંડ બે વર્ષ જેટલો સમય થયો હોવા છતાં આવી ઘટના બનતાં બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સમર્થ પાઠક તેમના માતા સાથે ફ્લેટમાં રહે છે. આજે સવારે ઘરની છત પરથી અચાનક સિલિંગનો મોટો ભાગ નીચે પડ્યો હતો. આ દરમિયાન સમર્થ પાઠકને ઈજા પહોંચી હતી. સિલિંગ પડવાની ઘટનાથી ફ્લેટમાં રહેતા લોકોમાં ભય ફેલાયો હતો. જો ઘટના સમયે કોઈ વ્યક્તિ સિલિંગની નીચે સૂતું હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હોવાની દહેશત રહીશોએ વ્યક્ત કરી હતી.
રહીશોના જણાવ્યા મુજબ, સોસાયટીના અનેક ફ્લેટમાં અગાઉથી જ ભેજ, છતના પોપડા ખરવા અને સિલિંગમાં તિરાડો પડવા જેવી સમસ્યાઓ જોવા મળી છે. આ અંગે બિલ્ડરને અનેક વખત જાણ કરવામાં આવી હોવા છતાં યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો ન હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. લાખો રૂપિયા ખર્ચીને ઘર ખરીદનાર રહીશો હવે પોતાના જ ઘરમાં સલામતીને લઈને ચિંતિત બન્યા છે.
રહીશોના જણાવ્યા મુજબ, અખંડ ઇન્ફ્રા ડેવલપમેન્ટ હિરલ દ્વારા સોસાયટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સોસાયટીના બાંધકામને હજુ બે વર્ષ જેટલો જ સમય થયો હોવા છતાં સિલિંગનો ભાગ તૂટી પડવાની ઘટના સામે આવતા બાંધકામમાં વપરાયેલી સામગ્રી અને કામની ગુણવત્તાની તપાસ કરવાની માંગ ઉઠી છે.