વડોદરાના કેમિકલના વેપારી પાસે ૧૦ કરોડની ખંડણી માંગનાર રોહિત ગોદારા ગેંગનો સાગરીત દિલ્હીથી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને ન્યુ દિલ્હી સ્પેશિયલ સેલની ટીમે આંતરરાજ્ય સંયુક્ત ઓપરેશન પાર પાડીને કુખ્યાત રોહિત ગોદારા ગેંગના એક સક્રિય સાગરીતને દિલ્હી ખાતેથી ઝડપી પાડયો છે. પકડાયેલા આરોપી પાસેથી રૃ. ૪ કરોડની કિંમતનો ૨.૦૭૫ કિલોગ્રામ હેરોઇન અને એક કાર કબજે કરવામાં આવી છે.
આ અંગેની મળતી માહિતી મુજબ, તાજેતરમાં વડોદરાના કેમિકલના એક વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી રૃ. ૧૦ કરોડની ખંડણી માંગવાના ગુનામાં રોહિત ગોદારા ગુ્રપના મહેન્દ્ર ડેલાણા સામે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધાયો હતો. પોલીસ કમિશનરની સૂચના મુજબ ક્રાઇમ બ્રાંચે અત્યંત ગુપ્તતા જાળવી સમગ્ર ઓપરેશન હાથ ધર્યુ હતું. તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ અને માનવ બાતમીદારોના આધારે પી.એસ.આઇ. કે.ડી. રાઠોડની ટીમ દિલ્હી પહોંચી હતી. ભોગ બનનાર વેપારી સાથે આ ગેંગે હવાલા મારફતે રૃ. ૧૦ લાખની રકમ સ્વીકારવાનું નક્કી કર્યું હતું. તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે સાડા પાછ વાગ્યે દિલ્હીના ચાંદની ચોક ખાતે ખંડણીની રકમ લેવા આવેલા આરોપી કુલદીપ ગણેશદાસ સ્વામી (રહે. કલ્યાણપુરા, જિ. ચુરૃ, રાજસ્થાન)ને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ સેલે દબોચી લીધો હતો. પોલીસને આરોપી પાસેથી હેરોઇનનો જથ્થો મળી આવતા તેની સામે દિલ્હી સ્પેશ્યલ સેલ ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં આરોપી દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. ત્યાં તપાસ પૂરી થયા પછી ટ્રાન્સફર વોરંટથી તેને વડોદરા લાવવામાં આવશે.




