'રસ્તાના પેચવર્કનું કામ ૩૬૫ દિવસ ચાલે છે, પ્રજાના નાણાંનો વેડફાટ ન થવો જોઈએ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના ન્યૂ વીઆઈપી રોડ ખાતે આજે મ્યુનિ. કમિશ્નર રસ્તાના પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન જાગૃત નાગરિકે પેચવર્કમાં હલકી કક્ષાની કામગીરીના આક્ષેપ સાથે મ્યુનિ. કમિશ્નર સમક્ષ રજૂઆત કરી હતી. નાગરિકે પેચવર્કની કામગીરીમાં રસ્તાનું લેવલ જળવાતું ન હોવા તેમજ વરસાદ બાદ ફરી રસ્તો તૂટી જવાની સમસ્યા અંગે સવાલો ઉઠાવ્યા હતા.
જાગૃત નાગરિકે કહ્યું કે આ પેચવર્કની કામગીરીની એક વર્ષની ગેરંટી તંત્ર આપશે ? એક વરસાદી ઝાપટું પડયા બાદ રસ્તો ધોવાઈ જાય અને ફરી બીજા કોન્ટ્રાક્ટરને પેચવર્કની કામગીરી સોંપવામાં આવે તેવી પ્રક્રિયા વર્ષોથી ચાલી રહી હોઈ પ્રજાના નાણાનો વેડફાટ થઈ રહ્યો છે.
એમણે વધુમાં કહ્યું કે ટેન્ડરની શરતો મુજબ પેચવર્ક કરતી વખતે રસ્તાનું લેવલ જાળવવું જરૃરી છે, પરંતુ કામગીરી દરમિયાન લેવલ જળવાતું નથી. જેના કારણે આસપાસ વરસાદી પાણી ભરાય છે અને ત્યારબાદ રસ્તો તૂટવાની સ્થિતિ સર્જાય છે. '૩૬૫ દિવસ પેચવર્કની કામગીરી ચાલે છે. રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે ગર્ભવતી મહિલાને લઈ જવામાં આવે તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય તેવા ખાડા જોવા મળે છે'તેવો કટાક્ષ કર્યો હતો.
એમનું કહેવું છે કે પેચવર્કમાં રસ્તાનું લેવલ જાળવવું એ સામાન્ય બાબત છે અને આ અંગે એન્જિનિયરોને પણ જાણકારી હોય છે. પ્રજાના નાણાનો વેડફાટ અટકાવવો જોઈએ તેવી રજૂઆત કરી છે.
મ્યુનિ. કમિશ્નરનું કહેવું છે કે પેચવર્કની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે ઝોન મુજબ કોન્ટ્રાક્ટરની નિમણૂક કરી જવાબદારી નક્કી કરી છે. એફડીઆર પદ્ધતિથી રસ્તો કાપીને પેચવર્કની કામગીરી શરૃ કરાઈ છે. વધુમાં ઉમેર્યું કે શહેરની હદમાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોમાં જ્યાં ભૂગર્ભ પાણી, ડ્રેનેજ સહિતની જરૃરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં પ્રથમ આ સુવિધાઓ ઊભી કરાશે. ત્યારબાદ આ વિસ્તારોમાં આરસીસી રોડ બનાવાશે.









