વડોદરા રેલવે સ્ટેશન પર રીક્ષા-ટેક્સી સ્ટેન્ડના ખાનગીકરણ સામે રીક્ષા યુનિયનના દેખાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા રેલવે સ્ટેશન ખાતે રીક્ષા અને ટેક્સી સ્ટેન્ડના ખાનગીકરણના મુદ્દે રીક્ષા યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રીક્ષા ચાલકો આજે રેલવે સ્ટેશન પર એકત્ર થયા હતા અને હાથમાં પ્લેકાર્ડ સાથે ખાનગીકરણના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન રીક્ષા ચાલકોએ નિર્ણય તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી હતી.
રીક્ષા ચાલકોના જણાવ્યા મુજબ, રેલવે સ્ટેશનના રીક્ષા અને ટેક્સી સ્ટેન્ડનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યો હોવાની માહિતી તેમને કંપની મારફતે મળી છે. ડીઆરએમ કચેરી દ્વારા સ્ટેન્ડનું ખાનગીકરણ કરવામાં આવ્યું હોવાની જાણ થતાં ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
યુનિયનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આશરે 10 વર્ષ અગાઉ પણ રીક્ષા અને ટેક્સી સ્ટેન્ડના ખાનગીકરણનો નિર્ણય લેવાયો હતો. જોકે તે સમયે રીક્ષા અને ટેક્સી ચાલકોએ જોરદાર વિરોધ નોંધાવતા રેલવે તંત્રએ નિર્ણય પાછો ખેંચ્યો હતો. હવે ફરી એક વખત ખાનગીકરણનો નિર્ણય લેવાતા ચાલકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
હાલમાં વડોદરા રેલવે સ્ટેશન પરિસરમાં રીક્ષા માટે બે લાઇન અને ટેક્સી માટે એક લાઇન ફાળવવામાં આવી છે. અહીં અંદાજે 300થી વધુ રીક્ષા ચાલકો અને 50 જેટલા ટેક્સી ચાલકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વડોદરા રેલવે સ્ટેશન પરથી દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહેતી હોવાથી અનેક પરિવારોની રોજી-રોટી આ વ્યવસાય પર નિર્ભર છે.
રીક્ષા ચાલકોનું કહેવું છે કે જો સ્ટેન્ડનું ખાનગીકરણ અમલમાં આવશે તો તેમના રોજગાર પર સીધી અસર પડશે અને અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જશે. તેથી રેલવે તંત્ર લોકહિતને ધ્યાનમાં રાખી ખાનગીકરણનો નિર્ણય તાત્કાલિક પરત ખેંચે તેવી તેમણે માંગ કરી છે.









