Baroda

રેવન્યૂ કર્મચારીઓનો સોશ્યલ મીડિયામાં સરકાર સામે બળાપો જીવનભરનો માનસિક ત્રાસ અને બાળકોને એકલા મૂકવાની વ્યથા

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
રાજ્ય સરકારે માર્ચમાં મહેસૂલ વિભાગમાં 800 કર્મચારીઓની બઢતી સાથે બદલી કરી હતી. 200 થી 400 કિલોમીટર દૂરના સ્થળોએ બદલી કરાતા કર્મચારીઓમાં, ખાસ કરીને નાના બાળકોવાળી મહિલાઓમાં, રોષ ભભૂક્યો છે. હવે કર્મચારીઓ સોશિયલ મીડિયા દ્વારા આ નીતિનો વિરોધ કરી, માનવીય અને સંવેદનશીલ ટ્રાન્સફર નીતિ અપનાવવા માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેવન્યૂ કર્મચારીઓનો સોશ્યલ મીડિયામાં સરકાર સામે બળાપો જીવનભરનો માનસિક ત્રાસ અને બાળકોને એકલા મૂકવાની વ્યથા

રાજ્ય સરકાર દ્વારા માર્ચ માસમાં મહેસૂલ વિભાગમાં મોટાપાયે બઢતી સાથે બદલીના ઓર્ડરો કરાયા હતાં. રેવન્યૂ ક્લાર્ક તેમજ રેવન્યૂ તલાટીઓને અપાયેલા પ્રમોશન બાદ પરિવારથી ૨૦૦થી ૪૦૦ કિલોમીટર દૂરના અંતરે ટ્રાન્સફર કરવામાં આવી ત્યારથી જ કર્મચારીઓમાં વિરોધ વંટોળ સર્જાયો હતો અને હવે કર્મચારીઓએ સોશ્યલ મીડિયા દ્વારા સરકારની આ નીતિનો વિરોધ શરૃ કર્યો છે.
રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ફરજ બજાવતા રેવન્યૂ ક્લાર્કો તેમજ તલાટીઓની તા.૨૦ માર્ચના રોજ બઢતી સાથે અન્ય જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. કેટલાંક કર્મચારીઓને તો ૨૦૦થી ૪૦૦ કિલોમીટર દૂર બદલીના હુકમો કરાયા છે. લાંબા અંતરના જિલ્લાઓમાં બદલી કરાયેલા કર્મચારીઓમાં કેટલાક મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે જેમના ઘેર છ માસથી માંડી ત્રણ વર્ષના નાના સંતાનો હોય તેમને છેવાડાના સ્થળે બદલી કરવામાં આવતા સરકાર સામે રોષ ભભૂક્યો છે.
કુલ ૮૦૦ કર્મચારીઓને પ્રમોશન પૈકી ૫૬૩ કર્મચારીઓને તો નજીક અથવા ખૂબ દૂરના જિલ્લાઓમાં બદલી કરી દેવામાં આવી હતી. તાજેતરમાં રાજ્ય પોલીસવડાએ પતિ અને પત્નીના કિસ્સામાં દૂરના સ્થળે ફરજ હોય તો બંનેને એક જ જિલ્લામાં ફરજ મળે તેવા આર્ડરો કરવામાં આવ્યા હતાં જેથી પરિવારના સભ્યો એકબીજાની નજીક રહી શકે પરંતુ મહેસૂલ વિભાગ દ્વારા રેવન્યૂ કર્મચારીઓની દૂરના સ્થળે બદલી બાદ પણ કોઇ નવો નિર્ણય નહી લેવાતા હવે સરકારની નીતિઓ સામે સોશ્યલ મીડિયા પર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
પુરુષ કર્મચારીઓએ સોશ્યલ મીડિયામાં બળાપો કાઢ્યો છે કે પરિવારથી વિખૂટા પાડીને જીવનભરનો માનસિક ત્રાસ આપી દીધો છે, જ્યારે મહિલા કર્મચારીઓએ રોષ ઠાલવ્યો છે કે નવા કેટલાંય સ્થળોએ ક્વાર્ટર કે રહેઠાણની સુવિદ્યાનો અભાવ છે, બાળકોના ભણતરની ચિંતા, બાળકોને એકલા મૂકવાની વ્યથા તેમજ પરિવારથી દૂર રહેવાની મજબૂરી છે. કર્મચારીઓએ માગણી કરી છે કે માનવીય અને સંવેદનશીલ ટ્રાન્સફર નીતિ અપનાવવી જોઇએ.