આર્મીના નિવૃત્ત ઉચ્ચ અધિકારી-દંપતીનો ઝઘડો પોલીસ ચોપડે પતિએ ઇમેઇલ કરી ધમકી આપી ઃ કેસો પાછા ખેંચી લે નહી તો બદનામ કરીશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આર્મીમાંથી નિવૃત્ત બે ઉચ્ચ અધિકારી વૃધ્ધ પતિ અને પત્ની વચ્ચેનો ઝઘડો કોર્ટ અને પોલીસ ચોપડે નોંધાયો છે. વડોદરામાં રહેતા નિવૃત્ત મેજર પત્નીએ આર્મીમાંથી લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિવૃત્ત પરંતુ હાલમાં મુરાદાબાદની યુનિવર્સિટીમાં એચઓડી તરીકે ફરજ બજાવતા પતિ સામે ઇ મેઇલ કરી ધમકી આપતા હોવાની ફરિયાદ નોધાવી છે.
વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા ૬૪ વર્ષના ડો.વીણાબેન ધીલ્લોએ પતિ કંવરજીત (રહે.તીર્થકાર મહાવીર યુનિવર્સિટી, મુરાદાબાદ, ઉત્તર પ્રદેશ, મૂળ ચંદીગઢ) સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું આર્મીમાં ડોક્ટર(મેજર) તરીકે નિવૃત્ત થઇ છું જ્યારે પતિ અગાઉ ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે નોકરી કરતા હતા અને હાલ ઉપરોક્ત યુનિવર્સિટીમાં એચઓડી તેમજ પ્રોફેસર તરીકે કામ કરી ત્યાં જ હોસ્ટેલમાં રહે છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે મારા લગ્ન બાદ મારી ૩૦ વર્ષની કમાણી મારી જાણ બહાર પતિએ પોતાના નામે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી મારા જીવન નિર્વાહ તેમજ ઘર ખર્ચ તરીકે કોઇ રકમ નહી આપતા ઝઘડા થતા હતા જેથી મેં જૂન-૨૦૨૨માં પતિ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ મેં પતિ સામે ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ તેમજ ભરણપોષણ માટેની કોર્ટમાં અરજી કરી છે.
આ ત્રણે કેસો પાછા ખેંચવા માટે પતિએ મને ઇ મેઇલ કરી ધમકી આપી હતી. પ્રથમ મેઇલમાં જણાવ્યું હતું કે તમે મારી ઉપર જે ૩ કેસ કર્યા છે તે પરત ખેંચી લો, નહીતર પ્રોબ્લેમ થશે અને તમને સલાહ આપું છું કે તમે મારી ઉપર ત્રણે ખોટા કેસો કર્યા છે. ત્યારબાદ ફરીથી મેઇલ કરી જણાવેલ કે હવે સમય આવી ગયો છે કે તમે ત્રણે કેસો પાછા ખેંચી લો, નહીતર હું તમારા ઉપર ડિવોર્સ અને બદનક્ષીનો કેસ દાખલ કરીશ, આપણી દીકરીને ભણવા માટે જે રૃપિયા આપ્યા છે તેનો તેમજ બીજા પણ કેસો કરીશ અને તમે ધ્યાનથી વિચારો તમારા ભાઇ ક્યાં કામ કરે છે, તમારી બહેન ડિરેક્ટર છે તેમજ માતા-પિતા ક્યાં રહે છે તેની મને જાણ છે. ફરીથી ત્રીજો મેઇલ કરી ફરી ધમકી આપી હતી કે તું મને તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ની સાંજ સુધીમાં જવાબ આપ કે ત્રણે કેસો પાછા ખેંચી લીધા છે કે નહી, નહી તો તારા ડિવોર્સના કેસો ફરીથી ચાલુ કરી દઇશ અને બાકીના મેં બતાવેલા તે કેસો પણ ફરીથી કરી દઇશ અને તને બદનામ કરીશ.
પુત્રી વિદેશ ભણવા ના જાય તે માટે બર્થ સર્ટિફિકેટ પડાવી લીધું
આર્મીના નિવૃત્ત મેજર મહિલાએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે અગાઉ પતિ વિરુધ્ધ બે અરજીઓ હાઇકોર્ટમાં કરી હતી ત્યારે પતિએ મારી સાથે સમાધાનની વાત કરી દીકરીના વિદેશમાં અભ્યાસના ખર્ચ માટે રૃા.૬ કરોડ આપવાનું કહી રૃા.૯૫ લાખ દીકરીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા પરંતુ ત્યારબાદ બીજા પૈસા આપ્યા નથી અને દીકરી વિદેશ ના જાય તે માટે બર્થ સર્ટિફિકેટ તેમજ ત્રણ વર્ષના આઇટી રિટર્ન પણ આપ્યા ન હતાં.
પત્ની તેમજ પુત્રીના આર્મીના લાભના કાર્ડ પડાવી લીધા
પોલીસ ફરિયાદમાં વૃધ્ધાએ પતિ સામે આક્ષેપ કર્યા છે કે મારા પતિ તા.૬ સપ્ટેમ્બર ૨૦૧૬થી ઘેરથી નીકળી ગયા છે. છેલ્લા ૧૨ વર્ષથી મારુ ડિપેન્ડન્ટ (ECHS) કાર્ડ ૅજ લશ્કરી તબીબી કાર્ડ તરીકે ઓળખાય છે તે તેમજ CSD કેન્ટીન સ્માર્ટ કાર્ડ તેમણે પોતાની પાસે રાખ્યુ હતું. બે મહિના પહેલાં જ મને લશ્કરી તબીબી કાર્ડ મોકલ્યું જ્યારે સીએસડી હજી પણ આપ્યું નથી. મારી દીકરીના તો બંને કાર્ડ પરત કર્યા નથી.




