Baroda

કારેલીબાગ, વિનાયક રેસીડેન્સી પાસે પાણી ભરાતા રહીશોએ ડે. મેયર સમક્ષ બળાપો ઠાલવ્યો

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના કારેલીબાગ સ્થિત અંબાલાલ પાર્કમાં ગુરુવારે રાત્રે ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગ પર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સ્થળ પર પહોંચતા રહીશોએ ઉગ્ર રજૂઆત કરી હતી. દર વર્ષે પાણી ભરાવા છતાં કાયમી નિરાકરણ ન આવતા, રહીશોએ પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય ગરમાવો વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કારેલીબાગ, વિનાયક રેસીડેન્સી પાસે પાણી ભરાતા રહીશોએ ડે. મેયર સમક્ષ બળાપો ઠાલવ્યો

Vadodara Rain: વોર્ડ નંબર 7ના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબાલાલ પાર્ક ખાતે વિનાયક રેસીડેન્સી નજીક ગુરુવારે રાત્રે પડેલા વરસાદ બાદ મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી.

પાણી ભરાવાની ફરિયાદને પગલે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રહીશોએ તેમની સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. રહીશોનું કહેવું હતું કે સોસાયટીના પ્રવેશદ્વાર પાસે દર વખતે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જાય છે, છતાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી.

રહીશોએ આક્ષેપ કર્યો હતો કે મ્યુનિસિપલ કોર્પોરેશને આસપાસના વિસ્તારોમાં વરસાદી ગટરની કામગીરી કરી છે, પરંતુ જ્યાં વાસ્તવમાં પાણી ભરાય છે તે સ્થળને કામગીરીમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. "આ કેવી પ્રિ-મોન્સૂન કામગીરી?" એવો સવાલ ઉઠાવી રહીશોએ તંત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

સ્થળ પર થયેલી આ ઉગ્ર રજૂઆતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્થાનિકોની નારાજગી અને તંત્રની કામગીરી અંગેના સવાલો સ્પષ્ટપણે જોવા મળતા હોવાથી આ મુદ્દો હવે રાજકીય મોરચે પણ ચર્ચાનો વિષય બન્યો છે.