મોટર જપ્ત કરી પાણીના કનેક્શનો કપાતા રહીશોએ હોબાળો મચાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સનફાર્મા રોડ પર આવેલી શ્રી હરિ બંગ્લોઝ સોસાયટીમાં ગેરકાયદે મોટર લગાવી પાણી ખેંચતા કનેક્શન કાપવાની કાર્યવાહી કરવા પહોંચેલી મ્યુનિ. કોર્પોરેશનની ટીમને રહીશોના વિરોધનો સામનો કરવો પડયો હતો.
ઘરોમાં પાણીની મોટર કાઢવાની કાર્યવાહી દરમિયાન મ્યુનિ.અધિકારીઓ અને રહીશો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. રહીશોનું કહેવું છે કે અમે એડવાન્સ વેરો ભરીએ છીએ, છતાં ઘરદીઠ માંડ ૧૫૦ લીટર જેટલું પાણી મળે છે. પાણીનું પૂરતું દબાણ ન હોવાથી જરૃરિયાત મુજબ પાણી મળતું નથી. પાણી મેળવવા માટે મોટર લગાવવી પડે છે અને તેના કારણે વીજળી બિલનો વધારાનો ખર્ચ પણ સહન કરવો પડે છે.
વધુમાં આક્ષેપ કર્યો કે છેલ્લા ૧૫ વર્ષથી સોસાયટીમાં પાણીની સમસ્યા યથાવત્ છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી અને બીજી તરફ પાણીની મોટર લગાવીને પાણી ખેંચવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મુદ્દે રહીશોએ સ્થાનિક કાઉન્સિલરો સામે પણ બળાપો ઠાલવ્યો હતો.
કોર્પોરેશનની ટીમ અને રહીશો વચ્ચે મામલો ઉગ્ર બનતાં પોલીસે પરિસ્થિતિ સંભાળી હતી. પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગ સાથે રહીશોમાં કોર્પોરેશન સામે ભારે નારાજગી જોવા મળી છે.




