Baroda

ભાયલીમાં બિસ્માર રસ્તા મુદ્દે રહીશોમાં રોષ : 'ખાડાથી મુક્તિ આપો, અમારા હકનો રસ્તો આપો'ના સૂત્રોચ્ચાર સાથે વોર્ડ ઓફિસે વિરોધ

By GS Team
10 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના પશ્ચિમ ઝોનમાં ભાયલી, બિલ, કલાલી, અટલાદરા સહિતના વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ બિસ્માર બન્યા છે. ઠેરઠેર ખાડા અને કાદવથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. આજે વોર્ડ-10ના ભાયલીમાં આકાર રેસિડેન્સીના રહીશોએ વોર્ડ ઓફિસે 'ખાડાથી મુક્તિ આપો'ના પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે વડોદરા કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાયલીમાં બિસ્માર રસ્તા મુદ્દે રહીશોમાં રોષ  :  'ખાડાથી મુક્તિ આપો, અમારા હકનો રસ્તો આપો'ના સૂત્રોચ્ચાર સાથે વોર્ડ ઓફિસે વિરોધ

Vadodara Corporation : વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા ભાયલી, બિલ, કલાલી અને અટલાદરા સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર મોટા ખાડા તેમજ કાદવ-કીચડ જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં અકસ્માતનો ભય વ્યાપી ગયો છે.
આ મુદ્દે આજે વોર્ડ નંબર-10ના ભાયલી વિસ્તારમાં આવેલી આકાર રેસિડેન્સીના રહીશોએ વોર્ડ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોએ હાથમાં 'ખાડાથી મુક્તિ આપો, અમારા હકનો રસ્તો આપો' અને 'વર્ષોથી સારા રસ્તાની જોવાતી રાહ' જેવા લખાણો ધરાવતા પ્લેકાર્ડ સાથે દેખાવો કરી જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે સત્તાપક્ષ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી હતી.
સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, ખરાબ રસ્તાના કારણે મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદી મોસમમાં કાદવ અને ખાડાઓને કારણે અકસ્માતની શક્યતા વધી જાય છે, જ્યારે રાત્રિના સમયે સ્થિતિ વધુ જોખમી બની જાય છે.
રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ નિયમિતપણે મિલકત વેરો સહિતના તમામ વેરા સમયસર ભરે છે, છતાં વર્ષોથી સારા રસ્તાની પાયાની સુવિધાથી વંચિત રહેવું પડી રહ્યું છે. તંત્ર આળસ ખંખેરીને વહેલી તકે સારો અને ટકાઉ રસ્તો બનાવી આપે તેવી તેમણે ઉગ્ર માંગ કરી હતી.