આરબીઆઈએ ચાર કરોડ વ્યાજ સહિત પાછા માગતા યુનિ.સત્તાધીશોએ ઈન્ટરવ્યૂ યોજયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચાર કરોડ રુપિયા અને તેનું વ્યાજ પાછુ આપવા માટે આપેલા અલ્ટીમેટમ બાદ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ આરબીઆઈ ચેરના ભાગરુપે અધ્યાપકની નિમણૂક કરી છે.
મળતી જાણકારી પ્રમાણે આરબીઆઈ દ્વારા દાયકાઓ પહેલા કોમર્સ ફેકલ્ટીમાં બેન્કિંગ ક્ષેત્રે સંશોધન અને બીજી પ્રવૃત્તિઓ માટે આરબીઆઈ ચેરની સ્થાપના કરવા માટે એક કરોડ રુપિયા આપવામાં આવ્યા હતા.જે રકમ પાછળથી વધારીને ચાર કરોડ રુપિયા કરવામાં આવી હતી.
આરબીઆઈ ચેરના ભાગરુપે એક પ્રોફેસરની નિમણૂક કરવાની હોય છે અને ચાર કરોડના વ્યાજમાંથી તેનો પગાર ચૂકવાય છે.જોકે છેલ્લા દોઢ વર્ષથી આ જગ્યા ખાલી હોવાથી આરબીઆઈ દ્વારા ગત ઓકટોબર મહિનામાં ચાર કરોડની રકમ વ્યાજ સાથે પરત માંગવામાં આવી હતી.જેના કારણે યુનિવર્સિટી સત્તાધીશો હાંફળા ફાંફળા થઈ ગયા હતા.
એ પછી કોમર્સ ફેકલ્ટી દ્વારા આરબીઆઈના અધિકારીઓને સમજાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.જેના કારણે આરબીઆઈ દ્વારા આરબીઆઈ ચેર માટે પ્રોફેસરની નિમણૂક કરવા ૧૫ સપ્ટેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
મળતી જાણકારી પ્રમાણે આરબીઆઈ ચેર માટે પ્રોફેસરની નિમણૂક કરવા માટે તાજેતરમાં જ ઈન્ટરવ્યૂ યોજવામાં આવ્યા હતા અને હવે પસંદ થયેલા ઉમેદવારને નિમણૂકનો ઓર્ડર આપવામાં આવ્યો છે.




