યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની રૃા.૨૪૦૦ કરોડની જમીન પરના કાચા અને પાકા દબાણો દૂર કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની આશરે રૃા.૨૪૦૦ કરોડની જમીન પર કબજો મેળવ્યા બાદ આજથી આ વિશાળ જમીન પર વર્ષોથી થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના વહીવટદાર કલેક્ટર છે. આ કિંમતી જમીન ગાયકવાડ મહારાજાની માલિકીની છે તેવા દાવા સાથે જમીનનો વિવાદ વર્ષોથી ચાલતો હતો. ચેરિટિ કમિશનરની કચેરી, જિલ્લા કોર્ટ અને હાઇકોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો. તા.૧૫ જૂનના રોજ હાઇકોર્ટે આ જમીન મંદિર ટ્રસ્ટની છે તેવો હુકમ કરી ચાર માસનો સ્ટેટસ ક્વો પણ આપ્યો હતો.
સ્ટેટસ ક્વોની મુદત પૂર્ણ થતાં જ વહીવટીતંત્ર દ્વારા આશરે ૧.૬૮ લાખ ચો.મી. જમીન પર ડિમાર્કેશન બાદ ફેન્સિંગ કરી દેવામાં આવી હતી. આ જગ્યા પરના દબાણો હટાવવા માટે નોટિસો આપ્યા બાદ આજે બપોરે બે વાગ્યાથી દબાણો દૂર કરવાની કામગીરી જિલ્લા કલેકટર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શરૃ કરાઇ હતી. મંદિર ટ્રસ્ટની જમીન પર કેટલાંક રહેણાંક મકાનો પણ હોવાથી રહીશોને વધુ સમય અપાયો છે.
કરોડો રૃપિયાની કિંમતી જમીન પર બુલડોઝર ફરતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં. સરકારી જગ્યા પરના દબાણો હટાવવાની કામગીરી રાત્રિ દરમિયાન પણ ચાલુ રહી હતી. કાલે પણ દબાણો દુર કરવાની કામગીરી ચાલુ રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
દબાણો દૂર નહી કરે તો લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરાશે
યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની જમીન પર કેટલાંક રહેણાંક મકાનો પણ છે જેમાં ચાર રહેણાંક મકાનો અને ૧૨ ઓરડીઓમાં રહેતા લોકોને બે દિવસની મુદત આપી દબાણ કરનારાઓને મકાનો તેમજ ઓરડીઓ ખાલી કરવા માટે જણાવાયું છે. જો તેઓ આ દબાણો ખાલી નહી કરે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી કરવામાં આવશે તેમ આજે મળેલી એન્ટી લેન્ડ ગ્રેબિંગ કમિટિની બેઠકમાં નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે મંદિરની આજુબાજુના પણ દબાણોનો સફાયો કરી દેવાયો છે.









