દાહોદ જિલ્લામાં બે મોઢાવાળા દુર્લભ સાપ 'વુલ્ફ સ્નેક'નું રેસ્ક્યૂ કરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દાહોદ જિલ્લાના ધાનપુર પાસે દુર્લભ અને વૈજ્ઞાાનિક દૃષ્ટિએ અદ્વિતીય ગણાતા બે માથા (બે મોઢા) ધરાવતો 'વુલ્ફ સ્નેક' (વરુદંતી)નું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એક જ શરીર પર બે સ્વતંત્ર માથાં ધરાવતો સાપ કુદરતમાં અત્યંત દુર્લભ ગણાય છે. આવા જીવમાં જોવા મળતી આ સ્થિતિને વૈજ્ઞાાનિક ભાષામાં 'બાયસેફાલી' (Bicephaly) કહેવામાં આવે છે. ભૃણ વિકાસ દરમિયાન થતી દુર્લભ જીનેટિક વિકૃતિના પરિણામે આ પ્રકારની રચના સર્જાય છે. લાખો જીવોમાં કોઈ એકમાં જ આવી ઘટના જોવા મળતી હોવાનું નિષ્ણાતો જણાવે છે.
વન્યજીવ નિષ્ણાતોના જણાવ્યા મુજબ બે માથાં ધરાવતા આવા સાપોમાં બંને માથાંનું મગજ અને ચેતાતંત્ર અલગ રીતે કાર્ય કરે છે. ખોરાક મેળવવો, શિકાર પર હુમલો કરવો કે દિશા નક્કી કરવી જેવી પ્રવૃત્તિઓ દરમિયાન બંને માથાં વચ્ચે અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળે છે.
ઘણીવાર એક જ શિકાર માટે બંને માથાં વચ્ચે સ્પર્ધા સર્જાતી હોય છે. ઉપરાંત શિકારી પ્રાણીઓથી બચવામાં પણ મુશ્કેલીઓ ઊભી થતી હોવાથી કુદરતી વાતાવરણમાં આવા સાપનું લાંબા સમય સુધી જીવિત રહેવું અત્યંત કઠિન માનવામાં આવે છે.
દાહોદ જિલ્લાના પ્રકૃતિ મિત્ર મંડળની રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવવામાં આવેલ આ બે માથાવાળા સાપે પર્યાવરણ પ્રેમીઓમાં ઉત્સુકતા જગાવવાની સાથે જિલ્લામાં પ્રથમ વખત નોંધાયેલી આ વિરલ ઘટના છે.
'વુલ્ફ સ્નેક' સંપૂર્ણ બિનઝેરી અને પર્યાવરણ માટે ઉપયોગી
રેસ્ક્યૂ કરાયેલો સાપ 'વુલ્ફ સ્નેક' અથવા સ્થાનિક ભાષામાં 'વરુદંતી' તરીકે ઓળખાય છે. આ પ્રજાતિ સંપૂર્ણપણે બિનઝેરી હોવાથી માનવજાત માટે કોઈ જોખમ ઊભું કરતી નથી. ઘરોની આસપાસ જોવા મળતી ગરોળી, નાનાં સરિસૃપો અને જીવજંતુઓ તેનો મુખ્ય ખોરાક હોય છે. પર્યાવરણમાં જીવસૃષ્ટિનું સંતુલન જાળવવામાં આ પ્રજાતિ મહત્વની ભૂમિકા ભજવે છે.
સમગ્ર ભારતમાં વુલ્ફ સ્નેક પ્રજાતિના ગણતરીના કિસ્સા
દેશમાં બે માથાં ધરાવતા સાપોના આવા કિસ્સાઓ અત્યંત વિરલ છે. અગાઉ દેશભરમાં માત્ર ચાર જેટલા નોંધપાત્ર કિસ્સા પ્રકાશમાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેમાંથી ત્રણ કિસ્સા વુલ્ફ સ્નેક પ્રજાતિના હતા, જ્યારે અન્ય કિસ્સાઓમાં કોબ્રા પ્રજાતિના સાપોનો સમાવેશ થતો હતો. દાહોદમાં મળેલો આ સાપ દેશના ગણતરીના આવા દુર્લભ કિસ્સાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો માનવામાં આવે છે.




