Baroda

વડોદરા સેન્ટ્રલ જેલમાં આકસ્મિક ચેકીંગ, બે મોબાઇલ અને સીમકાર્ડ મળ્યાં

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરા સેન્ટ્રલ જેલમાં ફરી મોબાઈલ મળતાં સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. 23 ઓગસ્ટે જેલર સહિત 6 કર્મચારીઓની ટીમે આકસ્મિક ચેકિંગ કરતા કાચા કામના આરોપી ગણેશ દેવેન્દ્રસિંહ પાસેથી સીમકાર્ડ અને સુનિલ મહિડાના પગમાં બાંધેલો મોબાઈલ મળ્યો. યાર્ડ નંબર-11માંથી વધુ એક ફોન મળ્યો. રાવપુરા પોલીસે ગુનો નોંધી, મોબાઈલ કોણે અને કેવી રીતે પહોંચાડ્યો તેની તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા સેન્ટ્રલ જેલમાં આકસ્મિક ચેકીંગ, બે મોબાઇલ અને સીમકાર્ડ મળ્યાં

Vadodara Central Jail : વડોદરા સેન્ટ્રલ જેલમાં ફરી એક વખત પ્રતિબંધિત મોબાઇલ ફોન મળી આવતા જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
પોલીસ મહાનિર્દેશક, જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, અમદાવાદની સૂચના અનુસાર 23 ઓગસ્ટના રોજ જેલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેલર સહિત છ કર્મચારીઓની ટીમે વડોદરા સેન્ટ્રલ જેલમાં વિવિધ યાર્ડ અને બેરેકમાં તલાશી લીધી હતી.
ચેકિંગ દરમિયાન સર્કલ વિભાગના યાર્ડ નંબર-8ની બેરેક નંબર-1માં કાચા કામના આરોપી ગણેશ દેવેન્દ્રસિંહની તલાશી લેવામાં આવી હતી. દરમિયાન તેના શર્ટના ખિસ્સામાંથી એક સીમકાર્ડ મળી આવ્યું હતું.
ત્યારબાદ તેની સાથેના કાચા કામના આરોપી સુનિલ મહિડાની તલાશી લેતાં તેના પગમાં દોરીથી બાંધેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ ઉપરાંત યાર્ડ નંબર-11ની બેરેક નંબર-4ના પાછળના ભાગે આવેલી ગટરની પાઇપમાં છુપાવી રાખેલો વધુ એક મોબાઇલ ફોન પણ ચેકિંગ દરમિયાન મળી આવ્યો હતો.
મળી આવેલા બંને મોબાઇલ ફોન અને સીમકાર્ડને વધુ તપાસ માટે એફએસએલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. હવે તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે આ મોબાઇલ ફોનનો ઉપયોગ કયા આરોપી કે કેદીએ કર્યો હતો અને પ્રતિબંધિત મોબાઇલ જેલની અંદર કેવી રીતે પહોંચ્યો હતો.
જેલમાં કડક સુરક્ષા અને ચેકિંગની વ્યવસ્થા હોવા છતાં મોબાઇલ ફોન મળી આવતાં જેલની આંતરિક સુરક્ષા અને દેખરેખની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. મોબાઇલ કોના સંપર્કમાં હતો, તેમાં કયા નંબર સાથે વાતચીત કે સંપર્ક થયો હતો અને જેલની બહારથી મોબાઇલ અંદર પહોંચાડવામાં કોઈની ભૂમિકા હતી કે કેમ તે સહિતના મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે.
આ મામલે રાવપુરા પોલીસે બંને કેદી/આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.