વડોદરા: રાજમહેલ રોડના મોબાઇલ માર્કેટમાં ગંદકી ફેલાવતા વેપારીઓને નોટિસ, ડસ્ટબિન રાખવા તાકીદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News: વડોદરાના રાજમહેલ રોડ પર મોબાઇલ માર્કેટનો વિસ્તાર વધી રહ્યો છે, ત્યારે મરી માતાના ખાંચામાં આવેલી મોબાઇલ એસેસરીઝ અને રિપેરિંગની દુકાનોની આસપાસ ગંદકીની સમસ્યા સામે આવી છે. અનેક દુકાનો બહાર કાગળ અને પ્લાસ્ટિકનો કચરો જાહેર રસ્તા પર ફેંકવામાં આવતો હોવાની સ્થિતિ વચ્ચે કોર્પોરેશનની સેનેટરી શાખાએ સ્થળ નિરીક્ષણ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનો આગળ કચરો જોવા મળતાં સંબંધિત દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે.
રાજમહેલ રોડના મોબાઇલ માર્કેટમાં ગંદકી ફેલાવતા વેપારીઓને નોટિસ
શહેરના મરી માતાના ખાંચામાં મોટી સંખ્યામાં મોબાઇલ એસેસરીઝ અને મોબાઇલ રિપેરિંગની દુકાનો આવેલી છે. અહીં વેપાર વધવાની સાથે જાહેર રસ્તા પર કચરો ફેંકવાની બેદરકારી પણ જોવા મળી રહી છે. દુકાનોમાંથી નીકળતા પેકિંગના કાગળ અને પ્લાસ્ટિકનો કચરો રસ્તા પર ઠેરઠેર પડેલો જોવા મળે છે. તેના કારણે જાહેર સ્થળોની સ્વચ્છતા સામે સવાલો ઊભા થયા છે.
આજે(19 ઓક્ટોબર) કોર્પોરેશનની સેનેટરી શાખા દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મરી માતાના ખાંચામાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે દુકાનોની બહાર કચરો જોવા મળ્યો હતો, તે દુકાનદારોને નોટિસ આપીને દુકાનમાં ડસ્ટબીન રાખવા અને સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી.
કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ, સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આ વિસ્તારમાં પહેલી વખત નિરીક્ષણ કરવામાં આવ્યું હોવાથી હાલ દુકાનદારોને સૂચના અને નોટિસ આપવામાં આવી છે. જો ત્યારબાદ પણ વેપારીઓ બેદરકારી દાખવશે અને જાહેર રસ્તા પર કચરો ફેંકવાનું ચાલુ રાખશે, તો દંડ ફટકારવા ઉપરાંત દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.
સ્વચ્છતા રાખવા કોર્પોરેશનની અપીલ
જાહેર રસ્તાઓને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર કોર્પોરેશનની જ નહીં, પરંતુ વેપારીઓની પણ છે. દુકાનમાંથી નીકળતો કચરો જાહેર રસ્તા પર ફેંકવાને બદલે ડસ્ટબીનમાં એકત્રિત કરવામાં આવે અને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે, તેવી અપીલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.




