ભાદરવામાં ફરી વરસાદી માહોલ જામ્યો : સવારથી વડોદરા શહેર-જિલ્લામાં છૂટોછવાયો વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rain Update : વડોદરા શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી હવામાનમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારે વરસાદ વરસતા નોકરી-ધંધા માટે નીકળેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના કેટલાક નીચાણવાળા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. જ્યારે ધોરીમાર્ગો પર વરસાદના કારણે દૃશ્યતા ઘટી જતાં વાહનચાલકોએ દિવસના સમયે પણ વાહનની લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું.
ખરાબ હવામાનની અસર હવાઈ સેવાને પણ થઈ હોવાનું સામે આવ્યું છે. કેટલીક ઉડાનોને અન્ય સ્થળે વાળવામાં આવી હોવાની માહિતીના પગલે મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડી હતી.
દરમિયાન, રાજ્યમાં આ વર્ષે ચોમાસું કેટલાક વિસ્તારોમાં નબળું રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદની ઘટ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ વરસાદની ઘટ યથાવત છે. આવા સમયે ભાદરવા મહિનામાં વડોદરા સહિત ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
સૌથી વધુ ગોપીપુરા અને સૌથી ઓછો આજવા રોડ વિસ્તારમાં વરસાદ નોંધાયો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવારે 11:40 વાગ્યે શહેરના અલગ અલગ વિસ્તારના જારી કરાયેલા આંકડા મુજબ, આજે સવારે વડોદરા શહેરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. માંજલપુરમાં 17 મીમી, સમામાં 13.50 મીમી, ગોત્રીમાં 12.50 મીમી, દાંડિયા બજારમાં 10.50 મીમી અને આજવા રોડ વિસ્તારમાં 9 મીમી વરસાદ વરસ્યો હતો, જ્યારે વડોદરા જિલ્લાના ગોપીપુરા ખાતે સૌથી વધુ 44 મીમી, અને સૌથી ઓછો આજવા રોડ વિસ્તારમાં 9 મીમી વરસાદ નોંધાયો છે.




