Baroda

આણંદના રેલવે ભરતી કૌભાંડના સૂત્રધારના વડોદરાના મકાનમાં દરોડા,ડૂપ્લિકેટ સ્ટેમ્પ્સ કબજેઃભાેગ બનેલાઓની સંખ્યા વધશે

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
આણંદમાં પકડાયેલા રેલવે ભરતી કૌભાંડના તાર વડોદરા સુધી પહોંચ્યા છે. પોલીસે મુખ્ય સૂત્રધાર તુષાર પુરોહિત અને સુલોચના પટેલના રિમાન્ડ મેળવી વડોદરાના ગોત્રી ખાતેના મકાને છાપો મારી મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા. 10થી વધુ ઉમેદવારો પાસેથી 7-8 લાખ પડાવ્યા હોવાનું ખુલ્યું છે. પોલીસે બોગસ ઓફર લેટર, આઈકાર્ડ અને રબર સ્ટેમ્પ્સ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આણંદના રેલવે ભરતી કૌભાંડના સૂત્રધારના વડોદરાના મકાનમાં દરોડા,ડૂપ્લિકેટ સ્ટેમ્પ્સ કબજેઃભાેગ બનેલાઓની સંખ્યા વધશે

આણંદમાં પકડાયેલા રેલવે ભરતી કૌભાંડના તાર વડોદરા સુધી જોડાયા છે. પોલીસે બંને બંટી-બબલીને રિમાન્ડ પર લીધા બાદ મુખ્ય સૂત્રધાર તુષાર પુરોહિતના વડોદરાના મકાને છાપો મારી મહત્વના દસ્તાવેજો કબજે કર્યા છે.ભોગ બનેલાઓની સંખ્યા હજી વધશે તેમ મનાય છે.
ઉમરેઠના પણસોરા ગામના ધવલ પટેલની પત્નીને રેલવેમાં ક્લાર્ક તરીકે નોકરી અપાવવાના નામે ડિસેમ્બર-૨૦૨૫માં રેલવેના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપી આઇકાર્ડ બતાવનાર તુષાર પુરોહિતે ફી પેટે રૃ.૩૫૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ લેખિત પરીક્ષા,ટ્રેનિંગ,પ્રેક્ટિકલ એક્ઝામ જેવા નામે કુલ રૃ.૫૫ હજાર પડાવ્યા હતા.પરંતુ આરોપીએ આપેલો ઓફર લેટર બોગસ નીકળતાં પોલીસ ફરિયાદ કરી હતી.
ઉપરોક્ત બનાવમાં તુષાર પુરોહિતની સાથે ચકલાસીની સુલોચના કમલેશભાઇ પટેલ પણ સામેલ હોવાની વિગતો ખૂલતાં પોલીસે તેની પણ ધરપકડ કરી બંનેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
પોલીસની તપાસમાં અત્યાર સુધી ૧૦ જેટલા ઉમેદવારો સામે આવ્યા છે.જેમણે રૃ.સાત થી આઠ લાખ જેટલી રકમ ગુમાવી હોવાની માહિતી બહાર આવતાં પોલીસે તેમને પુરાવા સાથે હાજર રહેવા તાકીદ કરી છે.પોલીસની એક ટીમે તુષાર પુરોહિતના વડોદરાના ગોત્રી ખાતે આવેલા મકાનમાં સર્ચ કરતાં કેટલાક ડૂપ્લિકેટ રબર સ્ટેમ્પ્સ મળી આવ્યા હતા.પોલીસે સિક્કાઓ ઉપરાંત ઉમેદવારો પાસેથી વેસ્ટર્ન રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ,અમદાવાદના ઓફર લેટર,આઇકાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કરી તપાસ જારી રાખી છે.
રેલવે અધિકારી બનેલી સુલોચનાએ નામ જોગ પ્રશ્નપત્ર આપી લેખિત પરીક્ષા લીધી
રેલવે ભરતી કૌભાંડની તપાસ કરતી આણંદ સાયબર સેલને એવી માહિતી મળી છે કે,રેલવેમાં નોકરી અપાવવા માટે ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષા સૂત્રધાર તુષાર પુરોહિતની મદદગાર અને રેલવેની અધિકારી તરીકે ઓળખાતી સુલોચના પટેલ(ચકલાસી,ખેડા)ના ઘેર લેવામાં આવી હતી.ઉમેદવારોને તેમના નામ જોગ પ્રશ્નપત્ર પણ આપવામાં આવ્યા હતા. જેથી પોલીસ લેખિત પરીક્ષામાં કેટલા ઉમેદવારો હાજર હતા તેની વિગતો મેળવી રહી છે.
તુષાર સામે અગાઉ બોગસ ટિકિટ ચેકર સહિત ત્રણ ગુના નોંધાયા હતા
રેલવે અધિકારી તરીકેનું બોગસ આઇકાર્ડ બનાવનાર તુષાર પુરોહિત ગુનાઇત ભૂતકાળ ધરાવતો હોવાની વિગતો પોલીસે જણાવી છે.મૂળ રાજપીપળાનો વતની તુષાર પુરોહિત સામે અગાઉ પણ ડૂપ્લિકેટ ટિકિટ ચેકર તરીકેનો કેસ થયો હતો.જ્યારે,ગોત્રી અને જવાહર નગર પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગુના નોંધાયા હોવાની પોલીસને માહિતી મળી છે.જેથી આણંદ સાયબર સેલ દ્વારા વડોદરા પોલીસ પાસે વધુ વિગતો માગવામાં આવી છે.