પરિવાર ચાર રસ્તા પાસે વુડા આવાસ યોજનાના ધાબે જુગારધામ પર છાપો : ચાર ઝડપાયા, પાંચ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Gambling Raid : વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા પાસે આવેલા વુડાના આવાસ યોજનાના ધાબે ચાલતા જુગારના અડ્ડા પર કપૂરાઈ પોલીસે દરોડો પાડી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જોકે, ધાબા સળંગ હોવા ઉપરાંત ઉપર જવા માટે ત્રણથી ચાર અલગ માર્ગ હોવાથી પાંચ શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.
કપૂરાઈ પોલીસને બાતમી મળી હતી કે પરિવાર ચાર રસ્તા પાસે આવેલા વુડાના આવાસ યોજનાના ધાબે રાવજી શંકર વસાવા જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે અલગ-અલગ રિક્ષામાં સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસે કાળુ અંટોલ વસાવા, રવિ મણીલાલ વસાવા, શૈલેષ સોમા વસાવા અને અક્ષય સુભાષ તડવીને ઝડપી પાડ્યા હતા. જ્યારે જુગાર રમાડતો રાવજી શંકર વસાવા, શીતલ લાલુ માછી, જીગ્નેશ વસાવા, ચકો અને ગુલાબ સહિતના શખ્સો સળંગ ધાબાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
પોલીસે રોકડ રકમ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.21,180નો મુદ્દામાલ કબજે કર્યો છે. કપૂરાઈ પોલીસે ચારેય આરોપીઓની જુગારધારા હેઠળ ધરપકડ કરી ફરાર થયેલા પાંચ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.




