Baroda

વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સ્ટાફ નર્સને યુનિફોર્મ અને વોશિંગ એલાઉન્સ આપવા દરખાસ્ત

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સ (વર્ગ-3)ને રાજ્ય સરકારના ધોરણે નર્સિંગ યુનિફોર્મ અને વોશિંગ એલાઉન્સ આપવા દરખાસ્ત તૈયાર કરાઈ છે. ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળના આ નર્સોને અત્યાર સુધી આવા લાભ મળતા ન હતા. અમદાવાદ અને ભાવનગર કોર્પોરેશનમાં આ ભથ્થા અપાય છે. આ ખર્ચ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સ્ટાફ નર્સને યુનિફોર્મ અને વોશિંગ એલાઉન્સ આપવા દરખાસ્ત

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ હેઠળ ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (GUHP) અંતર્ગત શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સ (વર્ગ-3)ને રાજ્ય સરકારના ધોરણે નર્સિંગ યુનિફોર્મ અને વોશિંગ એલાઉન્સનો લાભ આપવા દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ મુદ્દો સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી સામાન્ય સભાની મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ સીધી ભરતીથી નિયુક્ત થયેલા સ્ટાફ નર્સ વિવિધ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપી રહ્યા છે. આ કર્મચારીઓ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અન્ય નર્સિંગ કર્મચારીઓ જેટલી જ શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને સમાન પ્રકારની જાહેર આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. તેમ છતાં તેમને અત્યાર સુધી નર્સિંગ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ કે વોશિંગ એલાઉન્સ મળતું નથી.
દરખાસ્તમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ અનુસાર કાયમી નર્સિંગ સ્ટાફને દર મહિને રૂ.1,400 નર્સિંગ એલાઉન્સ, રૂ.1,100 યુનિફોર્મ એલાઉન્સ અને રૂ.500 વોશિંગ એલાઉન્સ આપવામાં આવે છે. જ્યારે ફિક્સ પગારના સ્ટાફ નર્સને દર મહિને રૂ.500 વોશિંગ એલાઉન્સ તેમજ દર વર્ષે રૂ.1,500 યુનિફોર્મ એલાઉન્સ ચૂકવવામાં આવે છે.
અમદાવાદ અને ભાવનગર મહાનગરપાલિકામાં આ પ્રકારના ભથ્થાનો અમલ થઈ ચૂક્યો હોવાનું પણ દરખાસ્તમાં જણાવાયું છે. વડોદરામાં પણ સ્ટાફ નર્સોના મનોબળ અને કાર્યક્ષમતા વધે તેમજ તેમને રાજ્યના અન્ય નર્સિંગ કર્મચારીઓ સમાન લાભ મળી રહે તે હેતુથી આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ માટેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી કરવામાં આવનાર હોવાથી વડોદરા મહાનગરપાલિકા પર કોઈ વધારાનો આર્થિક બોજ પડશે નહીં.