PM મોદીની વડોદરાને રૂ.35 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 326 કિ.મી.ના ત્રણ વિભાગ રાષ્ટ્રને સમર્પિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Narendra Modi Visit Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં રિમોટ માધ્યમથી રૂ.35 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. રેલવે, માર્ગ, પાણી, આવાસ અને ઊર્જા ક્ષેત્રના વિવિધ પ્રોજેક્ટ્સને કારણે ગુજરાત સહિત દેશના માળખાકીય વિકાસને વધુ વેગ મળવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ત્રણ વિભાગ દેશને સમર્પિત
વડાપ્રધાને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 326 રૂટ કિલોમીટરને આવરી લેતા અને રૂ.20,700 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલા ત્રણ મહત્વપૂર્ણ વિભાગો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. તેમાં ન્યૂ સાણંદ (ઉત્તર)-ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ-ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે-ન્યૂ જેએનપીટી વિભાગનો સમાવેશ થાય છે.
જવાહરલાલ નેહરુ પોર્ટ સાથે સીધી રેલવે કનેક્ટિવિટી મળવાથી નિકાસ-આયાતના માલની ઝડપી હેરફેર શક્ય બનશે. ઔદ્યોગિક કેન્દ્રો અને બંદરો વચ્ચે જોડાણ મજબૂત થવાની સાથે માલ પરિવહનનો ખર્ચ ઘટાડવામાં અને મુંબઈના રેલવે નેટવર્ક પરનું ભારણ ઓછું કરવામાં મદદ મળશે.
આ ત્રણ વિભાગ કાર્યરત થતાં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું સમગ્ર નેટવર્ક તેની સંપૂર્ણ લંબાઈમાં કાર્યરત બનશે. સમર્પિત માલવાહક રેલવે માળખાથી માલ પરિવહનનો સમય ઘટશે અને દેશની પરિવહન તથા પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.
ચાર માલગાડીઓને લીલી ઝંડી
વડાપ્રધાને ન્યૂ સાણંદ (ઉત્તર), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ જેએનપીટીથી માલગાડી સેવાઓને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત ટાંડા રોડ અને વડોદરા-પ્રતાપનગર વચ્ચે નવી મુસાફર ટ્રેન સેવાનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
જોબટ-ટાંડા રોડ નવી રેલવે લાઇનનું લોકાર્પણ
છોટા ઉદેપુર-ધાર રેલવે પ્રોજેક્ટના ભાગરૂપે વિકસાવવામાં આવેલી જોબટ-ટાંડા રોડ નવી રેલવે લાઇન પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી હતી. આ નવી રેલવે લાઇનથી અલીરાજપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોને રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે જોડાણ મળશે.
329 કિમીના ત્રણ રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
વડાપ્રધાને કુલ 329 કિલોમીટરમાં ફેલાયેલા અને રૂ.9,700 કરોડથી વધુના ખર્ચના ત્રણ રેલવે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી રેલવે લાઇન, મિયાગામ કરજણ-ચોરંડા-માલસર ગેજ રૂપાંતરણ,
વિશ્વામિત્રી-ડભોઈ રેલવે લાઇનનું દ્વિમીકરણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ કામો પૂર્ણ થતાં મુસાફર અને માલ પરિવહનની ક્ષમતા વધવાની સાથે રેલવે માર્ગો પરનું ભારણ ઘટશે અને ગુજરાત-મધ્યપ્રદેશ વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે.
રૂ.1,780 કરોડના રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સ
વડાપ્રધાને આશરે રૂ.1,780 કરોડના ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં NH-48ના કામરેજ-ચલથાણ વિભાગનું છ માર્ગીયકરણ, વડોદરા-સુરત વિભાગમાં તાપી અને નર્મદા પરના મોટા પુલો સહિત વધારાના માળખાનું નિર્માણ તેમજ NH-53 પર આભવા, મિંઢોળા અને ખજોદ જંકશન ખાતે માર્ગ વ્યવસ્થામાં સુધારા માટેના માળખાનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારના રૂ.2,600 કરોડના પ્રોજેક્ટ્સને પણ મંજૂરી
વડાપ્રધાને ગુજરાત સરકારના આશરે રૂ.2,600 કરોડના વિવિધ વિકાસકાર્યોનું પણ ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટાના રિંગ રોડ ફેઝ-2, કડાણા ડેમ ખાતે 110 મેગાવોટનો તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ અને વડોદરા મહાનગરપાલિકાની નવી કચેરીના નિર્માણ સહિતના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસ પ્રોજેક્ટ્સ તેમજ પૂર્વ વડોદરાના 11 ગામો માટેની પાણી પુરવઠા યોજના સહિતના પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.




