લુવારા ગામ નજીક હાઇવે બનાવતી કંપની પાસે ખંડણી માંગવા મુદ્દે RTI એક્ટિવિસ્ટ કેતન સોરઠીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા ભરૂચ હાઇવે બનાવતી કંપનીના એન્જિનિયરને લાફો ઝીંકી ગાળો આપનાર RTI એક્ટીવીસ્ટ સામે પોલીસે ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ બિહારના વતની અને હાલ સુરતના માંગરોળ તાલુકામાં રહેતા 35 વર્ષીય સોહેબઅહમદ અબ્દુલ કલામ ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ હેઠળ ભરૂચ જિલ્લામાં વિવિધ માર્ગ, બ્રિજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામના કોન્ટ્રાક્ટ ધરાવે છે. હાલ વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે નં.48 પર લુવારા ગામ નજીક બ્રિજ અને સર્વિસ રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં સોહેબઅહમદ સાઇડ એન્જિનિયર તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
ફરિયાદ મુજબ, ગત 9 ઓગસ્ટે સોહેબઅહમદ લુવારા ગામ નજીક હાઇવેની સાઇટ પર હાજર હતા ત્યારે કેતન ધીરજભાઈ સોરઠીયા (રહે. મેઘધનુષ ટાઉનશીપ, જાડેશ્વર ગામ, ભરૂચ) ત્યાં આવ્યા હતા. કેતને પોતાની ઓળખ સામાજિક કાર્યકર અને RTI એક્ટિવિસ્ટ તરીકે આપી હતી.
આ દરમિયાન કેતને કંપનીના કામ અંગે સવાલો ઉઠાવી ‘બ્રિજના મેન્ટેન્સનું કામ બરાબર કરતા નથી’ તેમ કહી કંપનીના શેઠને કહી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. એટલું જ નહીં, સોહેબઅહમદને ગાળો આપ્યાનો પણ ઉલ્લેખ છે
સોહેબઅહમદે કેતનને કંપનીના જનરલ મેનેજર ગૌરાંગભાઈ સાથે વાત કરવા જણાવતા કેતને ગૌરાંગભાઈને પણ ગાળો આપી હતી. ત્યારબાદ ‘તારા શેઠને કહેજે મારી સાથે મીટિંગ કરે, હું કહું તે રીતે નિયમિત નાણાં આપે નહીં તો RTI કરીને કંપની બંધ કરાવી દઈશ’ તેવી ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, આ દરમિયાન કેતન ઉશ્કેરાઈ ગયો હતો અને સોહેબઅહમદને લાફો મારી ધમકી આપી હતી કે ‘તારા શેઠને હવે હું જોઈ લઈશ.’ કંપની પાસેથી નાણાં પડાવવાના હેતુથી ઉપરી અધિકારીઓ સમક્ષ અરજીઓ કરવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે સોહેબઅહમદે નવીપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.









