'અટકતી, લટકતી, ભટકતી' ફાઈલોનો યુગ ગયો, હવે દેશમાં રેકોર્ડબ્રેક ગતિએ કામ થાય છે... વડોદરામાં PM મોદીના વિપક્ષ પર પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info
PM Modi Vadodara Visit: Inaugurates Rs 20,700 Cr WDFC Freight Corridor | વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાત અને મહારાષ્ટ્રના એકદિવસીય મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચ્યા છે. ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આયોજિત 'નમો 4 વિકસિત ભારત' કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને હજારો કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ સમારોહમાં ખાસ કરીને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મહત્વના સેક્શન્સ દેશને સમર્પિત કરવામાં આવ્યા હતા.
વડોદરા ખાતે જનમેદનીને સંબોધતાં PM મોદીએ કહ્યું કે, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર હવે ભારતના વિકાસ અને અર્થતંત્રની નવી 'લાઈફલાઈન' બની ચૂક્યો છે. આ વિકાસ ઉત્સવ દેશની પ્રગતિને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
વર્ષો સુધી ફાઈલો ટેબલ પર જ ફરતી રહી: અગાઉની સરકાર પર પીએમનો પ્રહાર
આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પ્રોજેક્ટમાં થયેલા ભૂતકાળના વિલંબને લઈને અગાઉની સરકારો સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે જે યુવાનો અહીં ઉપસ્થિત છે, તેમાંથી ઘણાંનો તો કદાચ જન્મ પણ નહીં થયો હોય જ્યારે વર્ષ 2004માં આ ફ્રેઇટ કોરિડોરનો વિચાર રજૂ થયો હતો અને 2006માં કંપની બની હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે 2014 સુધી માત્ર ફાઈલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફરતી રહી. જો કે, હવે 'અટકતી, લટકતી, ભટકતી' ફાઈલોનો યુગ ગયો, હવે દેશમાં રેકોર્ડબ્રેક ગતિએ કામ થાય છે.
Gen Z ને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શરૂઆતના સાતથી આઠ વર્ષોમાં 1 કિલોમીટરનું પણ કામ પૂરું થઈ શક્યું હોતું. જો એ જ ગતિએ દેશ ચાલ્યો હોત તો ત્રણથી ચાર પેઢીઓ વીતી જાત તોય કામ પૂરું ન થાત. 2014માં તમે મને દિલ્હી મોકલ્યો અને આ ધરતીએ મને જે શીખવ્યું છે તેના બળે અમે તાત્કાલિક આ પ્રોજેક્ટને અભૂતપૂર્વ ગતિ આપી. તમને ભટકાવનારા ગલીએ ગલીએ છે પરંતુ તમારે સત્યનો રણકાર પારખવો પડશે.
હવે નારાજ ફૂફાજી બૂમો પાડશે: PM મોદી
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના કારણે પરિવહન અને રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટર પર નકારાત્મક અસર પડશે તેવી આશંકા વ્યક્ત કરી રહેલા વિરોધીઓ PM મોદીએ વ્યંગ કરતાં કહ્યું કે, હવે આ નારાજ ફૂફાજીઓ બૂમો પાડશે કે આ ફ્રેઇટ કોરિડોર બનવાથી શું ટ્રક ડ્રાઇવરોને નુકસાન થશે? હવે ટ્રકો ક્યાં જશે? જે લોકોએ ટ્રક ખરીદી છે તેમનું શું થશે? આ લોકો દરેક પ્રગતિશીલ પ્રોજેક્ટમાં માત્ર અડચણો અને નકારાત્મકતા જ શોધવાનો પ્રયાસ કરે છે.
શૌચાલય અને આધુનિક ટ્રેનોની સરખામણી
આ દરમિયાન તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા દાયકામાં ભારત રેલવે કોચ, મેટ્રો કોચ અને રેલ એન્જિનનું મોટું ઉત્પાદક બન્યું છે. વર્ષ 2014 પછી ભારતે અત્યાર સુધીમાં આશરે 50,000 આધુનિક ટ્રેન કોચ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. જ્યારે બીજી તરફ, અગાઉની સરકારે પોતાના 10 વર્ષના શાસનમાં માત્ર 50,000 શૌચાલય પણ પૂરા બનાવ્યા નહોતા.
બુલેટ ટ્રેન અપડેટ: વડોદરાથી મુંબઈની મુસાફરી માત્ર 1.5 કલાકમાં થશે
કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રેલવે મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેનનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે અને સુરતથી વાપી વચ્ચેનો સેક્શન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઈ જશે. નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આ ટ્રેક પર 3 મહિના સુધી સુરક્ષા અને ગતિના ટ્રાયલ્સ યોજાશે, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુલેટ ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે.
અશ્વિની વૈષ્ણવે વડોદરાવાસીઓને ખાતરી આપી હતી કે જ્યારે બુલેટ ટ્રેન દોડશે ત્યારે વડોદરાથી મુંબઈનું અંતર માત્ર દોઢ કલાક માં કાપી શકાશે. આ આધુનિકીકરણ ખાસ કરીને દેશની યુવા પેઢી માટે એક સીમાચિહ્ન સાબિત થશે.
વડોદરાથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સ
વડાપ્રધાને ગુજરાત માટે આશરે ₹35,000 કરોડથી વધુ મૂલ્યના વિવિધ રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી:
WDFC ના ત્રણ મુખ્ય સેક્શન્સનું લોકાર્પણ
- રૂટ્સ: સાણંદ (ઉત્તર) – મકરપુરા, ન્યૂ ઉમરગામ – ન્યૂ સફાલે, અને ન્યૂ સફાલે – જેએનપીટી (JNPT).
- કુલ લંબાઈ: 326 રૂટ કિલોમીટર.
- પ્રોજેક્ટ ખર્ચ: ₹20,700 કરોડથી વધુ.
નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી
- ન્યૂ સાણંદ (ઉત્તર), ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ અને ન્યૂ JNPT (મુંબઈ) થી નવી માલગાડીઓનું પ્રસ્થાન.
- વડોદરા – ટાંડા રોડ નવી પેસેન્જર ટ્રેન
નવા રેલવે, હાઇવે અને વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત
ત્રણ મોટા રેલવે પ્રોજેક્ટ્સ (ખર્ચ ₹9,700 કરોડથી વધુ, 329 કિમી): વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી લાઇન, મિયાગામ કરજણ-ચોરંદા-માલસર ગેજ કન્વર્ઝન, અને વિશ્વામિત્રી-ડભોઈ લાઇન ડબલિંગ.




