PM મોદીએ વડોદરાથી WDFCના અંતિમ ત્રણ સેક્શનનું લોકાર્પણ કર્યું, JNPTથી દિલ્હી-NCR સુધી માલગાડી કનેક્ટિવિટી ઝડપી બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Dedicated Freight Corridor: ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી મળ્યાના લગભગ બે દાયકા બાદ દેશનું વિશાળ સમર્પિત માલવાહક રેલ નેટવર્ક આજે (આઠમી સપ્ટેમ્બર) સંપૂર્ણ રીતે ઓપરેશનલ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વડોદરાથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)ના બાકી રહેલા ત્રણ મહત્વના સેક્શનનું લોકાર્પણ કરી પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો હતો. આ સાથે ઉત્તર ભારતથી પશ્ચિમ કિનારે આવેલા જવાહરલાલ નહેરુ પોર્ટ (JNPT) સુધી માલસામાનની અવરજવર માટે સીધી અને ઝડપી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ બની છે.
લગભગ 2,843 કિ.મી. લાંબું WDFC અને EDFCનું સંયુક્ત નેટવર્ક હવે સંપૂર્ણ રીતે કાર્યરત બન્યું છે. WDFC ઉત્તર પ્રદેશના દાદરીથી મહારાષ્ટ્રના JNPT સુધી લગભગ 1,506 કિ.મી. લાંબો છે અને ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થાય છે. દાદરી ખાતે તે ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર સાથે જોડાય છે.
ગુજરાત સહિત પાંચ રાજ્યોને મોટો ફાયદો
આજે ન્યૂ સાણંદ–ન્યૂ મકરપુરા, ન્યૂ અંબારગાંવ–ન્યૂ સફાલે અને ન્યૂ સફાલે–ન્યૂ JNPT એમ કુલ 326 કિ.મી.ના ત્રણ સેક્શનનું લોકાર્પણ થયું છે. આ સેક્શન પાછળ 20,700 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થયું છે. ખાસ કરીને JNPT સાથે સીધું જોડાણ થતાં આયાત-નિકાસના માલની હેરફેર ઝડપી બનશે અને બંદરો તથા ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત થશે.
3-4 દિવસનો સમય હવે 24 કલાક સુધી
WDFC પર માત્ર માલગાડીઓના સંચાલનથી ટ્રેનોની ઝડપ અને સમયપાલનમાં નોંધપાત્ર સુધારો થયો છે. દિલ્હી-NCRથી મુંબઈના JNPT સુધી માલ પહોંચાડવામાં અગાઉ 3થી 4 દિવસ લાગતા હતા, જે હવે આશરે 24 કલાકમાં શક્ય બનશે. ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનોની ક્ષમતાને કારણે એક જ ફેરે વધુ માલનું પરિવહન શક્ય બન્યું છે.
5.2 લાખ માલગાડીઓ દોડી
રેલવેના આંકડા મુજબ ઓગસ્ટ 2026 સુધી કાર્યરત DFC સેક્શન પર આશરે 5.2 લાખ માલગાડીઓ દોડી ચૂકી છે, એટલે કે સરેરાશ 435 ટ્રેન પ્રતિ દિવસ. અત્યાર સુધી લગભગ 658 બિલિયન ગ્રોસ ટન કિ.મી. અને 360 બિલિયન નેટ ટન કિ.મી.નું સંચાલન થયું છે.
DFCથી દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ રૂટ પર માલગાડીઓનો ભાર ઘટવાથી પેસેન્જર ટ્રેનો માટે ક્ષમતા વધશે. સાથે જ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો, ઔદ્યોગિક કોરિડોરને વેગ, રસ્તા પર ટ્રકોનું દબાણ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો જેવા ફાયદા પણ થશે.




