સિટી હાઇડ્રન્ટ અને વોટર ફિલિંગ સિસ્ટમનું આયોજન ત્રણ વર્ષથી અધૂરું : ટેન્કરોના પંપ પણ મોટા ભાગે બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire Brigade : આગના બનાવો દરમિયાન ઝડપથી પાણી ઉપલબ્ધ થાય અને ફાયર બ્રિગેડને સમયસર મદદ મળી રહે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેઈન વોટર સપ્લાય લાઈનમાંથી સિટી હાઇડ્રન્ટ લાઈન સિસ્ટમ વિકસાવવાનું તેમજ શહેરના વિવિધ તળાવોમાં રહેલા પાણીનો ઉપયોગ કરી શકાય તે માટે નવી વોટર ફિલિંગ સિસ્ટમ ઉભી કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. જોકે વર્ષ 2023માં તૈયાર કરાયેલું આ આયોજન આજે પણ કાગળો પૂરતું જ સીમિત રહેતાં તેની અમલવારી સામે પ્રશ્નો ઊભા થયા છે.
શહેરમાં વારંવાર આગના બનાવો બનતા હોય છે ત્યારે પાણીનો પૂરતો જથ્થો ઝડપથી ઉપલબ્ધ થાય તે માટે સિટી હાઇડ્રન્ટ નેટવર્કને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉપરાંત આગની ઘટના નજીકના તળાવમાંથી ફાયર ટેન્કરોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે અલગ વોટર ફિલિંગ સિસ્ટમ ઉભી કરવાની પણ યોજના હતી. પરંતુ ત્રણ વર્ષ બાદ પણ આ બંને યોજનાઓ અમલમાં આવી નથી.
બીજી તરફ, કોર્પોરેશનના મોટાભાગના પાણીના ટેન્કરોમાં તળાવ કે અન્ય સ્ત્રોતમાંથી પાણી ખેંચી શકે તેવા પંપ બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે આગના સમયે વૈકલ્પિક સ્ત્રોતમાંથી પાણી મેળવવાની વ્યવસ્થા અસરકારક રીતે કાર્યરત રહેતી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક પંપનું રીપેરિંગ પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં અનેક પંપ ફરીથી બિનકાર્યરત થઈ જતા રીપેરિંગ પાછળ થયેલા ખર્ચ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. કરોડો રૂપિયાની ફાયર સેફ્ટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના દાવાઓ વચ્ચે મૂળભૂત સાધનો જ કાર્યરત ન હોવાના કારણે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.









