વધુ ચાર સ્થળોએ ભૂવા પડતા લોકોએ વૃક્ષની ડાળીઓ તો, તંત્રએ બેરિકેડ મૂક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં વરસાદ નહિવત્ પ્રમાણમાં વરસ્યો હોવા છતાં રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓનો સિલસિલો યથાવત્ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી, તેમ છતાં વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ધસી પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગઈકાલે શહેરમાં ચાર સ્થળોએ ભુવા પડયા બાદ આજે વધુ ચાર સ્થળોએ રસ્તાઓ બેસી જતા છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૧૨ સ્થળોએ ભૂવા પડયાની સ્થિતિ સર્જાઈ છે.
આજે સલાટવાડા વિસ્તારના ફૂલબારી નાકા પાસે મુખ્ય માર્ગ પર નજીકના અંતરમાં બે ભૂવા પડયા હતા. સ્થાનિક લોકોએ અકસ્માત ટાળવા માટે સાવચેતીના ભાગરૃપે ભૂવામાં વૃક્ષની ડાળીઓ મૂકી વાહનચાલકોને સાવચેત કર્યા છે. વિસ્તારના સિનિયર સિટિઝને કહ્યું કે મુખ્ય માર્ગ પર પડેલા આ ભૂવાનું તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો અકસ્માત સર્જાઈ શકે છે.
બીજા બનાવમાં રેલવે સ્ટેશન પાસે બસ સ્ટેશનની સામે બુલેટ ટ્રેનના પિલરની આસપાસનો માર્ગ બેસી ગયો હતો. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ અકોટા વિસ્તારમાં માર્ગ પર ભૂવો પડતાં સામાજિક કાર્યકરે વૃક્ષની ડાળીઓ મૂકી લોકોને સાવચેત કર્યા છે. ઉપરાંત પરિવાર ચાર રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતાં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડતાં તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૃપે બેરીકેડ મૂકી વિસ્તારને કોર્ડન કરાયો છે. મુખ્ય માર્ગ પર ભૂવો પડતાં સામાજિક કાર્યકરે વહેલી તકે સમારકામની માગ કરી છે.
શહેરમાં સતત માર્ગો પર ભૂવા પડવાની ઘટનાઓને લઈને વિપક્ષે વડોદરાને 'સ્માર્ટ સિટી' નહીં પરંતુ 'ભૂવાનગરી' તરીકે સંબોધી રસ્તાઓની ગુણવત્તા અને કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા છે.




