વડોદરાના નવાયાર્ડ રોડ પર ગંદકીથી લોકો પરેશાન : કચરાના ઢગલાથી દુર્ગંધ ફેલાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના વોર્ડ નંબર-1માં આવેલા નવાયાર્ડ રોડ વિસ્તારમાં માર્ગ પર કચરાના ઢગલાંના કારણે દુર્ગંધ ફેલાતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંદકીના કારણે સ્વચ્છતા અભિયાનની અસરકારકતા સામે પણ સવાલો ઉઠ્યા છે. પૂર્વ કાઉન્સિલર અને સામાજિક કાર્યકરે સફાઈ વ્યવસ્થાને લઈને મ્યુનિસિપલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
પૂર્વ કાઉન્સિલરે જણાવ્યું હતું કે શહેરમાં સફાઈના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ બપોરે 12 વાગ્યા સુધી પણ અનેક વિસ્તારોમાંથી કચરો ઉપાડવામાં આવતો નથી, જે સેનેટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ ઓફિસર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી દર્શાવે છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સફાઈ કર્મચારીઓની હાજરીમાં કાગળ પર સહીઓ કરાવી ગોટાળાઓ કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તાર અને નજીકમાં આવેલી શાળાની આસપાસ ગંદકી રહેતાં રોગચાળો ફાટી નીકળવાનો ભય ઊભો થયો છે. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરે જવાબદાર અધિકારીઓ સામે નોટિસ ફટકારી કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ તેમણે કરી છે. સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે નવાયાર્ડ વિસ્તારમાં ગંદકીની સમસ્યા નવી નથી, પરંતુ વર્ષોથી યથાવત છે. તેમનો આક્ષેપ છે કે કોર્પોરેશન પોશ વિસ્તારોમાં સફાઈ અને દંડાત્મક કાર્યવાહી પર વધુ ધ્યાન આપે છે, જ્યારે ઝૂંપડપટ્ટી અને સામાન્ય રહેણાંક વિસ્તારોની સ્વચ્છતા પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું નથી.









