Baroda

નવાપુરામાં ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે ગટરનું પાણી માર્ગ પર ફરી વળતાં લોકોને હાલાકી

By GS Team
10 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના વોર્ડ નંબર 13ના નવાપુરા, ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો રોષે ભરાયા છે. માર્ગ પર ગંદા પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. સામાજિક કાર્યકરે તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. રૂ. 20 કરોડના ખર્ચે અમલમાં મુકાયેલી GIS સિસ્ટમ પણ નિષ્ફળ જતી દેખાઈ રહી છે, જેનાથી તંત્રની કાર્યક્ષમતા પર સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવાપુરામાં ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે ગટરનું પાણી માર્ગ પર ફરી વળતાં લોકોને હાલાકી

Vadodara Corporation : વડોદરામાં વોર્ડ નંબર 13ના નવાપુરા વિસ્તારમાં આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક ડ્રેનેજનું ગટરનું પાણી ઉભરાઈને માર્ગ પર ફરી વળતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગંદા પાણીના ભરાવાને કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ રસ્તેથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક સામાજિક કાર્યકરે આ મુદ્દે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ડ્રેનેજ સહિતની સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, છતાં તંત્રના અધિકારીઓ સમયસર ધ્યાન આપતા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની ઓનલાઈન ફરિયાદ વ્યવસ્થા માત્ર દેખાડા પૂરતી બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોકો ફરિયાદો નોંધાવે છે, પરંતુ તેનો સમયસર ઉકેલ આવતો ન હોવાથી સ્થાનિકોમાં અસંતોષ સતત વધી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાએ વર્ષો પહેલાં અંદાજે રૂ.20 કરોડના માતબર ખર્ચે જીઆઇએસ (GIS) સિસ્ટમ અમલમાં મૂકી હતી. આ સિસ્ટમનો હેતુ પાણીની લાઇનમાં ભંગાણ, ડ્રેનેજ ઉભરાવા જેવી સમસ્યાઓની કંટ્રોલ રૂમમાંથી જ ત્વરિત જાણ મેળવી ઝડપી કાર્યવાહી હાથ ધરવાનો હતો. જોકે, નવાપુરા જેવી ઘટનાઓ સતત સામે આવતાં આ મોંઘીદાટ જીઆઇએસ સિસ્ટમની વાસ્તવિક અસરકારકતા સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે.