વડોદરામાં ચોમાસા વચ્ચે અનેક વિસ્તારોમાં તૂટેલા ગટરના ઢાંકણાથી લોકોને મુશ્કેલી : ભ્રષ્ટાચારના આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરામાં ચોમાસાની ઋતુ શરૂ થતાં શહેરના અનેક માર્ગો પર તૂટેલા ગટરના ઢાંકણાં અકસ્માતનું જોખમ ઉભું કરી રહ્યા છે. આ મુદ્દે એક સામાજિક કાર્યકર પંકજ દર્વેએ ગટરના ઢાંકણાની ગુણવત્તા અને કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોની કામગીરીની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
કાર્યકરના જણાવ્યા મુજબ, હાલમાં કપૂરાઈ મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણું તૂટેલું હોવાથી સ્થાનિક રહિશોએ અકસ્માત ટાળવા માટે પોતાની રીતે આડાશ ઊભી કરી છે. આવી સ્થિતિ માત્ર એક જ સ્થળે નહીં પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ગટરના ઢાંકણાની મજબૂતાઈ તેમજ તેને બેસાડવા માટે તૈયાર કરવામાં આવતા સ્ટ્રક્ચરમાં બેદરકારી સામે આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે આક્ષેપ કર્યો હતો કે એક જ સ્થળે વારંવાર ગટરના ઢાંકણા તૂટી જતાં સમગ્ર પ્રક્રિયામાં મોટા કૌભાંડની ગંધ આવે છે. મહાનગરપાલિકા નવા ઢાંકણાં ખરીદતી હોવા છતાં એક જ સ્થળે વારંવાર ઢાંકણા તૂટી જવાના કારણોની તપાસ થવી જોઈએ. આ માટે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ફાઈલોની તપાસ કરી જરૂર જણાય તો કડક પગલાં ભરવા જોઈએ તેવી પણ તેમણે માંગ કરી છે.
ચોમાસામાં માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં તૂટેલા ગટરના ઢાંકણા દેખાતા નથી, જેના કારણે અકસ્માતનો ભય વધી જાય છે. નોંધનીય છે કે વડોદરામાં અગાઉ ગટરમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત પણ થયું હતું. તેમ છતાં શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણાની સમસ્યા યથાવત રહેતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.









