પ્રતાપનગર-ટાંડારોડ ટ્રેન સુરક્ષાના કારણોસર રોકાતા મુસાફરો અટવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાથી મધ્યપ્રદેશના ટાંડા રોડ સુધી શરૃ કરાયેલી મેમુ ટ્રેન આજે ગુરુવારે સાંજે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખંડાલા સ્ટેશન નજીક સુરક્ષાના કારણોસર ૪ કલાક સુધી રોકી દેવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ટ્રેનમાં સવાર આશરે ૩૦ મુસાફરોએ સુવિધા અંગે ફરિયાદ કરી હતી.
ગત્ ૮ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છોટાઉદેપુર-ધાર રેલવે યોજના હેઠળ રૃપિયા ૫૫૩ કરોડના ખર્ચેે જોબટ-ટાંડા રોડ વચ્ચે ૨૮ કિલોમીટર લાંબા નવા રેલવે માર્ગનું નિર્માણ કરાયું હોઈ વડાપ્રધાને પ્રતાપનગર, વડોદરાથી ટાંડા રોડ, મધ્યપ્રદેશ સુધીની મેમુ ટ્રેનને લીલીઝંડી આપી હતી.
આજે સાંજે ૬ વાગ્યે ખંડાલા સ્ટેશન નજીક મેમુ ટ્રેનના પૈડાંમાંથી શંકાસ્પદ અવાજ આવતાં ટ્રેનના ચાલકે ટ્રેનને રોકી દીધી હતી.આ ટ્રેન એમપીથી વડોદરા આવી રહી હતી અને ટ્રેનમાં ૩૦ મુસાફરો સવાર હતા. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ પૈડામાં ધાતુ જમા થવા જેવી સ્થિતિ જણાતાં સુરક્ષાની દ્રષ્ટિએ ટ્રેન થોભાવવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ કોઈ વ્યક્તિ દ્વારા રેલવે પાટા પર લોખંડના નટ-બોલ્ટ મૂકવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
ઘટનાને પગલે રેલવે કર્મચારીઓ -સુરક્ષા દળ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરાઈ હતી. સુરક્ષા ચકાસણી પૂર્ણ થયા બાદ બધું સંતોષકારક જણાતા ટ્રેનને રાત્રે ૧૦ વાગ્યે આગળ રવાના કરવામાં આવી હતી. જોકે, ટ્રેક પર નટ-બોલ્ટ કેવી રીતે આવ્યા અને તેના કારણે પૈડામાં અવાજ થયો કે કેમ તે અંગેની તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે. રેલવે વિભાગ તરફથી હજુ સત્તાવાર સ્પષ્ટતા કરાઈ નથી.




