ખાસવાડી સ્મશાન પાસેના બ્રિજ પર ભારદારી વાહનોનું પાર્કિંગ : સૂચના બોર્ડ છતાં નિયમભંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરમાં આરાધના સિનેમાથી બહુચરાજી સ્મશાન તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલા નાળાના બ્રિજ પર ભારદારી વાહનોનું પાર્કિંગ અટકાવવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો થયા છે. બ્રિજની બંને બાજુ વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ અને દંડનીય કાર્યવાહી અંગેના સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં હાલમાં પણ ભારદારી વાહનો પાર્ક કરેલાં જોવા મળી રહ્યાં છે. બીજી તરફ, બ્રિજની રેલિંગના પોપડા ખરતાં અને અંદરના સળિયા દેખાતાં રીનોવેશનની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે.
સામાજિક કાર્યકર કમલેશ પરમારે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, કોર્પોરેશન દ્વારા લાખો-કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ બ્રિજ અને નાળાનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. જોકે, કેટલાક સ્થળોએ રીનોવેશનની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
કમલેશ પરમારના જણાવ્યા મુજબ, સ્થળ પર જાત તપાસ કરતાં બ્રિજની બંને બાજુની રેલિંગના પોપડા ખરતા હોવાનું અને અંદરના સળિયા દેખાતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ સ્થિતિને પગલે રીનોવેશનની કામગીરી કેટલી ગુણવત્તાયુક્ત રીતે કરવામાં આવી હતી અને કામ પૂર્ણ થયા બાદ તેની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેવા સવાલો ઊભા થયા છે.
બીજી તરફ, બ્રિજની બંને બાજુ ભારદારી વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ હોવા છતાં નિયમનો ભંગ થતો હોવાનો આક્ષેપ છે. કોર્પોરેશન દ્વારા સૂચના બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં વાહનચાલકો સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી અને જવાબદારી કોની છે તે અંગે કમલેશ પરમારે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ મામલે સ્ટેટ વિજિલન્સ સમક્ષ અરજી કરવાની પણ વાત કરી છે.
કમલેશ પરમારે મ્યુનિસિપલ કમિશનરને સ્થળ પર જાત તપાસ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમની ચીમકી મુજબ, આગામી 24 કલાકમાં જરૂરી કામગીરી કરવામાં નહીં આવે તો રામધૂન કાર્યક્રમ યોજવામાં આવશે.




