Baroda

નવા પ્રતાપનગર સ્ટેશન ખાતે બસ અને પાર્કિગની સુવિધા નહીં હોવાથી માથાભારે તત્ત્વો દ્વારા ઉઘાડી લૂંટ

By GS Team
16 Jul 20265 mins read
TukuTouch Logo
વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન પર 72 કરોડના ખર્ચે નવનિર્મિત સ્ટેશનનું ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે પાર્કિંગ અને બસ સુવિધાના અભાવે રીક્ષાચાલકો અને માથાભારે તત્વો દ્વારા મુસાફરો પાસેથી લૂંટ ચલાવવામાં આવે છે. ટ્રાફિક પોલીસની મિલીભગતથી કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર પાર્કિંગના નામે રોજ 20,000 થી વધુની કમાણી થાય છે. આ ઉપરાંત, ટ્રેનોના પ્લેટફોર્મ મનસ્વી રીતે બદલાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા પ્રતાપનગર સ્ટેશન ખાતે બસ અને પાર્કિગની સુવિધા નહીં હોવાથી માથાભારે તત્ત્વો દ્વારા ઉઘાડી લૂંટ

Vadodara: નવા તૈયાર થયેલા પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી ગુજરાત મધ્યપ્રદેશને જોડતી રેલ્વે લાઈન અને વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમાના સ્થળે પહોંચવા રેલવે વિભાગ દ્વારા માત્ર રૂપિયા 20 થી 30નું ભાડું વસુલ કરી ટ્રેનોના 24 રૂટ દોડાવવામાં આવે છે જેનો લાભ અસંખ્ય મુસાફરો અને અપડાઉન કરનારા લોકો લઈ રહ્યા છે ત્યારે પ્રતાપ નગર રેલવે સ્ટેશન નવું બંધાઈ ગયું છે તેનું ટૂંક સમયમાં ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે વર્ષોથી લોકોને પાર્કિંગ કે બસની સુવિધા મળતી નથી જેને કારણે ટ્રાફિક પોલીસની મિલી ભગતથી રીક્ષા ચાલકો અને માથાભારે તત્વો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે.

વડોદરાથી મધ્યપ્રદેશ અલીરાજપુર, જોબટ સુધી રોજ 10 ટ્રેન આવે અને 10 ટ્રેન જાય તે મળી કુલ 20 રૂટ દોડાવવામાં આવી રહ્યા છે એ જ રીતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈની પ્રતિમા સુધી પહોંચવા માટે વડોદરાથી કેવડીયા સુધી ટ્રેનોના ચાર રૂટ દોડાવવામાં આવે છે ત્યારે વડોદરા થી છોટાઉદેપુર સુધી રેલવેમાં પ્રવાસ કરનારા પાસેથી રૂપિયા માત્ર રૂ. 30 અને કેવડિયા જવા માટે રૂ. 20નું ભાડું વસૂલ કરવામાં આવે છે જેને કારણે આ રૂટ પર અનેક મુસાફરો તેનો લાભ લઈ રહ્યા છે આ મુસાફરોને છોટાઉદેપુરથી વડોદરા આવવું હોય તો રૂ.30માં પહોંચી જાય છે અને ત્યાંથી વડોદરા રેલવે સ્ટેશન કે છાયાપૂરી રેલવે સ્ટેશન જવા માગતા મુસાફરો કે પછી શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચવા માટે બસની કોઈ સુવિધા નહીં હોવાને કારણે રિક્ષાચાલકો મુસાફરો પાસેથી મનફાવે તેવું ભાડું વસુલ કરે છે.વડોદરા રેલવે સ્ટેશન પર જવું હોય તો રૂ.200 અને છાયાપૂરી રેલવે સ્ટેશન જવું હોય તો રૂ.500ની ભાડાની વસુલાત કરતા હોય છે એ જ રીતે પાર્કિંગની કોઈ સુવિધા નહીં હોવાથી રેલ્વે સ્ટેશન કમ્પાઉન્ડમાં અને મુખ્ય રસ્તા અને ફૂટપાથ પર અપડાઉન કરનારા મુસાફરો પોતાનું વાહન મૂકીને જતા હોય છે. અને વાહન ચાલકો પાસેથી આજુબાજુની વસાહતોના માથાભારે તત્વો એક વાહન દીઠ રૂ.20 પડાવી લેવામાં આવતા હોવાની ફરિયાદ થતી રહે છે છતાં રેલવે અને કોર્પોરેશન દ્વારા કોઈ ટ્રેનના સમયે બસ સેવા કે પાર્કિગની સુવિધાની કાર્યવાહી કરવામાં આવતી નથી.

માથાભારે તત્વો અને ટ્રાફિક પોલીસની મિલી ભગતથી કોર્પોરેશનની જગ્યામાં પાર્કિંગના નામે રોજ 20,000ની લૂંટ

પ્રતાપ નગર રેલ્વે સ્ટેશન રૂ. 72 કરોડના ખર્ચે તૈયાર થઈ ગયું છે ત્યારે ઝેનીથ સ્કૂલ પાછળ મુખ્ય દરવાજો બનાવવામાં આવ્યો છે તે વિસ્તારમાં મુખ્ય રસ્તા અને ફૂટપાથ પર રોજ અપડાઉન કરનારા મુસાફરો પોતાનું વાહન પાર્કિંગ કરીને જાય છે જે કોર્પોરેશનની માલિકીની જમીન હોવા છતાં આજુબાજુમાં રહેનારા કેટલાક માથાભારે તત્વો દ્વારા એક વાહન દીઠ રૂ. 20 પડાવવામાં આવે છે અને રોજ અંદાજે 1000થી વધુ વાહનો પાર્કિંગ થાય છે જેથી કોર્પોરેશનની માલિકીની ખુલ્લી જમીન અને ફૂટપાથની જગ્યામાંથી આવા માથાભારે તત્વો રોજના રૂ.20,000થી વધુની કમાણી કરી રહ્યા છે.

પ્રતાપ નગર નવું રેલ્વે સ્ટેશન તૈયાર થઈ ગયું છે ,ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રેલવેના સમયે કોર્પોરેશન દ્વારા બસની કોઈ સુવિધા રાખવામાં આવી નથી એટલું જ નહીં કોર્પોરેશનની માલિકીની રસ્તાની અને ફૂટપાટની જમીન પર લોકો પાર્કિંગ કરીને જાય છે અને તેઓ પાસેથી આજુબાજુના કેટલાક માથાભારે તત્વો પાર્કિંગ કરનારા વાહન ચાલકો પાસેથી એક વાહન દીઠ રૂ. 20 પડાવે છે.
રેલવે કમ્પાઉન્ડની જમીનમાં પણ અનેક વાહન ચાલકો વિના મૂલ્યે પાર્કિંગ કરતા હતા ત્યારે ટ્રાફિક પોલીસ રેલવે કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા 150 થી 200 જેટલા વાહનો ટોઇંગ કરી ભુતડી ઝાંપા ખાતે લઈ જઈને મૂકી દેવામાં આવતા હતા અને સવારે બહારગામ ગયેલા હોય અને સાંજે આવે ત્યારે પોતાનું વાહન મળે નહીં ત્યારે ખબર પડે કે ટ્રાફિક પોલીસ રેલવેની હદની જમીનમાંથી વાહન ઉપાડી ગયા છે અને ભૂતડીઝાંપા ખાતે વાહન છોડાવવા જાય ત્યારે જો પાવતી જોઈતી હોય તો રૂ.એક થી બે હજારની માંગણી કરવામાં આવતી હતી અને જો પાવતી જોઈતી ના હોય તો માત્ર રૂ. 500 પડાવી લઈને વાહન છોડી દેવામાં આવતા હોવાના કિસ્સા બન્યા છે.

સતત એક અઠવાડિયા સુધી રેલવે કમ્પાઉન્ડમાંથી રોજ 150 થી 200 વાહનો ઉપાડીને લઈ જવામાં આવતા હતા અને લોકોએ રેલવે કમ્પાઉન્ડમાં પાર્કિંગ કરવાનું બંધ કરી જ્યાં રોજના રૂ.20 પડાવવામાં આવતા હોય છે તે કોર્પોરેશનની જગ્યામાં પાર્કિંગ શરૂઆત કરવામાં આવતા ટ્રાફિક પોલીસે વાહનો ઉપાડી જવાની કામગીરી બંધ કરી દીધી હતી. જેથી પોલીસ અને માથાભારે તત્વોની મિલી ભગત ખુલ્લી પડી હતી.

પાર્કિંગના પૈસા આપે નહીં તો માથાભારે તત્વો દ્વારા વાહનોની તોડફોડ અને મારામારી

પ્રતાપ નગર રેલ્વે સ્ટેશન બહાર કોર્પોરેશનના ફૂટપાથ પર વાહન પાર્કિંગ મુદ્દે માથાભારે તત્વો એ પોલીસ કર્મચારી પર હુમલો કર્યો અને તેની પોલીસ ફરિયાદ થયા બાદ સમગ્ર વિગતો બહાર આવી છે.
માથાભારે તત્વો કોર્પોરેશનની જગ્યામાં પાર્કિંગ કરનારા લોકો પાસેથી ગેરકાયદે રીતે પૈસા પડાવે છે અને જો કોઈ પૈસા આપે નહીં તો તેના વાહનની તોડફોડ અને ટાયરમાં પંચર કરી દેવાના પણ અનેક કિસ્સા બન્યા છે એટલું જ નહીં પાર્કિંગ મુદ્દે મારામારીના પણ કિસ્સા બન્યા છે અને આવા મુસાફરો પોલીસ ફરિયાદ કરવા જાય તો તેઓને સમજાવી પટાવી ફરિયાદ લેવામાં આવતી નથી અથવા તો માત્ર અરજી લઈને પતાવટ કરી દેવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું છે.

મનસ્વી રીતે ટ્રેનોના પ્લેટફોર્મ બદલી નાખવામાં આવતા મુસાફરોમાં ભાગદોડ

પ્રતાપનગર રેલ્વેસ્ટેશન પર મનસ્વી રીતે ટ્રેનો ઉભી રાખવાના પ્લેટફોર્મ મનસ્વી રીતે બદલી નાખવામાં આવતા હોવાથી છેલ્લી ઘડીએ મુસાફરોને ટ્રેક પરથી દોડીને ટ્રેનમાં બેસવા જવું પડે છે.

પ્રતાપ નગર રેલ્વે સ્ટેશન ખાતે છોટાઉદેપુર અને કેવડિયા ખાતેથી રોજની 24 ટ્રેનોની અવરજવર થતી હોય છે ત્યારે આ ટ્રેન કયા પ્લેટફોર્મ પર નિયમિત રીતે આવશે તેવું કોઈ ટાઈમ ટેબલ હોતું નથી અને રેલ્વે વિભાગ મનસ્વી રીતે ટ્રેનના આવવાના સમયે જ પ્લેટફોર્મ બદલી નાખવામાં આવે છે જેથી મુસાફરોને ટ્રેનમાં બેસવાને ભાગદોડ કરવી પડે છે. કેટલાક નિયમોમાં માનવા વાળા હોય તેવા મુસાફરો ફૂટ બ્રિજનો ઉપયોગ કરી દોડીને ટ્રેનમાં બેસવા જતા હોય છે જ્યારે મોટાભાગના સિનિયર સિટીઝન્સ યુવકો, મહિલાઓ પણ રેલવે ટ્રેક પરથી ચાલીને સામેના પ્લેટફોર્મ પર ટ્રેનમાં બેસવા માટે ભાગદોડ કરતા નજરે પડતા હોય છે આવા રોજ મનસ્વી રીતે પ્લેટફોર્મની અદલા બદલી કરી નાખવામાં આવતા હોવાને કારણે મુસાફરો અટવાઈ પડે નહીં તેને ધ્યાનમાં રાખી રેલવે વિભાગે ટ્રેનનો સમય જે રીતે નક્કી હોય છે તે રીતે કયા પ્લેટફોર્મ પર ટ્રેન ઉભી રહેશે તેનું પણ એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ તેવી મુસાફરોની માંગણી છે.