8000 જગ્યાના વાયદા સામે માત્ર 271 ઉમેદવારોની ભરતી : જેટકોની ભરતી મુદ્દે રેસકોર્સ ખાતે ઉમેદવારોનો સૂત્રોચ્ચાર સાથે દેખાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Jetco Recruitment : વડોદરાના રેસકોર્સ ખાતે આવેલી વીજ કંપનીની મુખ્ય કચેરી બહાર આજે રાજ્યભરમાંથી આવેલા અંદાજે 200થી 300 ઉમેદવારોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી-2026 સહિતના વિવિધ મુદ્દાઓને લઈને ઉમેદવારોએ ન્યાયની માગ સાથે રજૂઆત કરી હતી. ઉમેદવારોએ લાયકાતને ન્યાય આપવા, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણપણે બંધ કરવા અને જેટકોમાં એપ્રેન્ટિસ તરીકે કામગીરી કરી ચૂકેલા ઉમેદવારોનું ભવિષ્ય સુરક્ષિત કરવાની માગ કરી હતી.
સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, સમગ્ર ગુજરાતમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી અંગે અગાઉ 8 હજાર જગ્યાઓ ભરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, જ્યારે હાલમાં માત્ર 271 ઉમેદવારોની ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. વારંવાર રજૂઆતો અને વિરોધ પ્રદર્શન કરવા છતાં ભરતી અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો તેમણે દાવો કર્યો હતો. આઉટસોર્સિંગ પદ્ધતિને કારણે લાયક ઉમેદવારોને પૂરતી તકો મળતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટ અધિકારીઓ ચલાવી રહ્યા હોવાનું પણ જણાવાયું છે
. એક ઉમેદવારે જણાવ્યું હતું કે જેટકો દ્વારા છેલ્લા ચાર વર્ષથી ભરતી કરવામાં આવી નથી. ઉમેદવારો દ્વારા વારંવાર આંદોલન કરવામાં આવ્યા હોવા છતાં ભરતીના નિમણૂક આદેશ આપવામાં આવતા નથી. અગાઉ ઝોન પ્રમાણે ભરતીના આદેશ આપવામાં આવતા હતા અને પ્રથમ તબક્કામાં 700થી 800 જેટલા ઉમેદવારોની ભરતી થતી હોવાનો દાવો ઉમેદવારે કર્યો હતો.
ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યો હતો કે આ વખતે સમગ્ર ગુજરાત માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી હોવા છતાં માત્ર 271 ઉમેદવારોની ભરતી કેમ કરવામાં આવી? બાકીની જગ્યાઓ ક્યાં ગઈ તે અંગે સ્પષ્ટતા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. અનેક વીજ મથકોની કામગીરી આઉટસોર્સિંગ એજન્સીઓને સોંપી દેવામાં આવી હોવાનો પણ ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો.
ઉમેદવારોએ ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી-2026ની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી મેરીટ યાદી જાહેર કરવાની તથા વ્યવસ્થાપનને વધુ સમય લાગતો હોય તો મેરીટ યાદી પૂર્ણ થાય ત્યાં સુધી સમયમર્યાદા વધારવાની માગ કરી હતી. સાથે જ આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી લાયક ઉમેદવારોને નિયમિત ભરતીમાં તક આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.




