Baroda

હવે દોઢ કલાકમાં વડોદરાથી મુંબઈ પહોંચી જવાશે, મે 2027 માં 'સ્વદેશી' બુલેટ ટ્રેનની ટ્રાયલ રન!

By GS Team
9 Sep 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વડોદરામાં જણાવ્યું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન મે-જૂન 2027માં શરૂ થશે. આ સ્વદેશી નિર્મિત ટ્રેન વડોદરાથી મુંબઈનું અંતર માત્ર 1.5 કલાકમાં કાપશે. PM મોદી ઉદ્ઘાટન કરશે. 280-350 કિમી/કલાકની ઝડપ ધરાવતી આ ટ્રેન અમદાવાદ-મુંબઈ રૂટ પર 12 સ્ટેશનો પરથી પસાર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે દોઢ કલાકમાં વડોદરાથી મુંબઈ પહોંચી જવાશે, મે 2027 માં 'સ્વદેશી' બુલેટ ટ્રેનની ટ્રાયલ રન!

India's First Bullet Train: ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વડોદરામાં એક મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે સ્વદેશી નિર્મિત બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન આગામી વર્ષે મે-જૂન 2027 દરમિયાન શરૂ થશે અને આ સેવા શરૂ થયા બાદ મુસાફરો વડોદરાથી મુંબઈ સુધીનું અંતર માત્ર દોઢ કલાકમાં કાપી શકશે.

મે 2027માં શરૂ થશે ટ્રાયલ રન

ગુજરાતના વડોદરામાં આયોજિત 'નમો ફોર વિકસિત ભારત' કાર્યક્રમમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 'આત્મનિર્ભર ભારત'ના વિઝન હેઠળ ભારતમાં જ બની રહેલી પ્રથમ બુલેટ ટ્રેનનો બોડી ફ્રેમ તૈયાર થઈ ગયો છે અને તેને સ્ક્વિઝ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યો છે. આ ટ્રેન મે કે જૂન 2027 સુધીમાં ટ્રાયલ માટે ટ્રેક પર ઉતરવાની ધારણા છે.

પીએમ નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન

રેલ મંત્રીના જણાવ્યા અનુસાર, 2 થી 4 મહિના સુધી અલગ-અલગ તબક્કામાં ટ્રેનનું સફળ પરીક્ષણ કરવામાં આવશે. આ ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે દેશની પ્રથમ બુલેટ ટ્રેન સેવાને દેશવાસીઓ માટે ખુલ્લી મુકશે અને તેનું ઉદ્ઘાટન કરશે.

વડોદરાથી મુંબઈ માત્ર 1.5 કલાકમાં

હાલમાં વડોદરાથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેનું અંતર આશરે 391 થી 392 કિલોમીટર છે, જે અત્યારની સૌથી ફાસ્ટ ટ્રેન 'વંદે ભારત' દ્વારા કાપતા પણ 4 કલાક અને 44 મિનિટ જેટલો સમય લાગે છે. પરંતુ બુલેટ ટ્રેન શરૂ થવાથી મુસાફરો આ સફર માત્ર 1.5 કલાક (દોઢ કલાક) માં જ પૂર્ણ કરી શકશે, જેનાથી સમયની મોટી બચત થશે.

કલાકના 350 કિ.મી. સુધીની ઝડપ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર આ હાઇ-સ્પીડ ટ્રેન 280 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 350 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપે દોડવા માટે સક્ષમ હશે. આ પ્રોજેક્ટની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે અને સુરતથી વાપી વચ્ચેનો સિવિલ સેક્શન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.

અમદાવાદ-મુંબઈ રૂટ પર કુલ 12 સ્ટેશનો હશે

508 કિલોમીટર લાંબા આ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન રૂટ પર કુલ 12 મુખ્ય સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં મુંબઈ (BKC), થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે.