સેન્ટ્રલ બસ ડેપો ખાતે મુસાફરોની સુરક્ષામાં બેદરકારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે સ્ટેશન પાસેના સેન્ટ્રલ બસ ટર્મિનલ ખાતે રક્ષાબંધન પર્વને લઈ મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોની વધતી ભીડ વચ્ચે બસ ટર્મિનલના મેનેજમેન્ટ દ્વારા સુરક્ષાના નિયમોના અમલીકરણમાં બેદરકારી દાખવાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
સેન્ટ્રલ બસ ટર્મિનલમાં બસોના એન્ટ્રી-એક્ઝિટ માટેના પોઇન્ટ પર મુસાફરોની અવરજવર પ્રતિબંધિત છે. તેમ છતાં આ વિસ્તારમાંથી મુસાફરો અવરજવર કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને બસ આવવાના સમયે પ્રતિબંધિત વિસ્તારમાં મુસાફરો જોખમી રીતે દોડધામ કરતા હતા. સિક્યુરિટી ગાર્ડ હાજર હોવા છતાં પ્રતિબંધિત વિસ્તારમાં મુસાફરોને રોકવામાં ન આવતા સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર-૭ ખાતે કામગીરી ચાલી રહી હોવાથી વિસ્તારને કોર્ડન કરાયો હોવા છતાં પ્રતિબંધિત વિસ્તારમાં પણ મુસાફરો ઊભા રહેતા જોવા મળ્યા હતા. કોઈ મુસાફર પ્રતિબંધિત વિસ્તારમાં બસની અડફેટે આવી જાય તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
અગાઉ પ્રતિબંધિત વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં વૃદ્ધનું મોત ગત્ ૧૦ એપ્રિલે સેન્ટ્રલ બસ ટર્મિનલના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પાસે સ્ટ્રક્ચરનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં અમદાવાદના ૭૦ વર્ષનાવૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના બાદ ટ્રાન્સક્યુબ પ્લાઝા મેનેજમેન્ટ દ્વારા મૃતક વ્યક્તિ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી હોવાનું જણાવાયું હતું. મેનેજમેન્ટે દુર્ઘટના અંગે ખેદ વ્યક્ત કરી આવી ઘટના ફરી ન બને તે માટે જરૃરી પગલાં લેવાની ખાતરી આપી હતી.




