ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRF એલર્ટ: સુરત,વલસાડમાં ટીમો તહેનાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: ગુજરાતમાં ચોમાસાની પરિસ્થિતિ અને હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને છઠ્ઠી બટાલિયન એનડીઆરએફ દ્વારા આગોતરા સાવચેતીના ભાગ રૂપે સુરત અને વલસાડ જિલ્લામાં ટીમો તહેનાત કરવામાં આવી છે. સંભવિત જળભરાવ અને પૂર જેવી પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં જળભરાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની એક ટીમ પરવત પાટિયા વિસ્તારમાં મોકલવામાં આવી છે. ઉપરાંત સુરત મહાનગરપાલિકાના દક્ષિણ ઝોન, ઉધના ખાતે પણ બીજી ટીમ તૈનાત કરવામાં આવી છે, જેથી વરસાદ સંબંધિત કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરી શકાય.
બીજી તરફ વલસાડ જિલ્લાના નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં પણ એનડીઆરએફની ટીમોને તહેનાત કરવામાં આવી છે. હનુમાન બગડા, દરુડિયા વોર્ડ, તરિયા વોર્ડ સહિત આસપાસના વિસ્તારોમાં ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં તરત જ કામગીરી કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.
એનડીઆરએફની તમામ ટીમો જરૂરી બચાવ સાધનો અને ઉપકરણો સાથે તહેનાત કરવામાં આવી છે. ટીમો સ્થાનિક નાગરિક વહીવટીતંત્ર તથા અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સંકલન કરીને ચોમાસા દરમિયાન જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યરત છે.









